Vadodara: દારૂ પકડવા ગયેલી પોલીસ પર પથ્થરમારો; સ્વબચાવમાં પોલીસે કર્યું ફાયરિંગ

અમદાવાદ: વડોદરાના દરજીપુરા વિસ્તારમાં દારૂના કટિંગની બાતમીનાં આધારે દરોડા પાડવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પર બુટલેગરોના માણસોએ પથ્થરમારો કર્યો હતો, આથી સ્વબચાવ માટે PIને બે રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. આ મામલે SMCએ ત્રણ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે 8 આરોપીઓ ફરાર છે.
સ્વબચાવ માટે પોલીસે કર્યું ફાયરિંગ
પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરાના દરજીપુરા વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલને દારૂના કટિંગની બાતમી મળી હતી. જેના આધારે દરોડા પાડવા ગયેલી SMCની ટીમ પર બુટલેગરોના માણસોએ પથ્થરમારો કર્યો હતો. આથી સ્વબચાવ માટે PIને બે રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. બુટલેગરોના માણસોએ કરેલા હુમલામાં SMCનાં વાહનો અને કેટલાક કર્મીઓને ઇજા થઈ હોવાનાં અહેવાલો મળી રહ્યા છે.
નેશનલ હાઇવે પર દારૂ કટિંગ
આંતરરાજ્ય દારૂની હેરાફેરીના ચાલતા નેટવર્કમાં બુટલેગરો દ્વારા અલગ અલગ રાજ્યની નંબર પ્લેટ રાખીને પોલીસને ગેરમાર્ગે દોરતા હોય છે. સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી હતી કે વડોદરા-મુંબઈ નેશનલ હાઇવે પર બુટલેગર ઝુબેર શફીક મેમણ કન્ટેનરમાંથી દારૂ કટિંગ કરી રહ્યો છે. બાતમીનાં આધારે SMCની ટીમ દરોડો પાડવા પહોંચી ત્યારે તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો…દેશની અદાલતોમાં ચેક બાઉન્સનાં જ અધધધ 43 લાખ કેસ પેન્ડિંગ! ગુજરાતમાં શું સ્થિતિ?
60 લાખનો મુદ્દામાલ જપ્ત
SMCની ટીમ પર પથ્થરમારા બાદ પોલીસે ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ બૂટલેગર ઝુબેર શફીક મેમણ સહિતના આઠ આરોપીઓ નાસી છૂટયા હતા. SMCએ ત્રણ બૂટલેગરોની ધરપકડ કરી છે. સાથે જ એક ફોર્ચ્યુનર કાર, એક કન્ટેનર અને અંદાજિત 22 લાખના દારૂ સહિત 60 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આઠ બુટલેગરોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને આ મામલાની વધુ તપાસ હરણી પોલીસે હાથ ધરી છે.