તહેવાર ટાણે કરુણાંતિકા: વડોદરામાં પૂરઝડપે આવતી એસટી બસે ટક્કર મારતા ધો. 12ની વિદ્યાર્થિનીનું મૃત્યુ...
વડોદરા

તહેવાર ટાણે કરુણાંતિકા: વડોદરામાં પૂરઝડપે આવતી એસટી બસે ટક્કર મારતા ધો. 12ની વિદ્યાર્થિનીનું મૃત્યુ…

વડોદરા: શહેરના અટલાદરા વિસ્તારમાં રહેતા વ્યાસ પરિવાર માટે તહેવારનો દિવસે જ કરુણાંતિકા સર્જાય હતી. પાટણ જવા માટે વડોદરા એસ.ટી. બસ સ્ટેશન તરફ જઈ રહેલા પરિવારની નજર સામે જ ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઇક પર સવાર ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી ૧૭ વર્ષીય સગીરાનું કરુણ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, આર્યા એમ્પાયર, અટલાદરા ખાતે રહેતા અને એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા શ્રેય વૈભવ વ્યાસ (ઉ.વ.૨૦)એ આ અંગે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. શ્રેય વ્યાસે નોંધાવેલી ફરિયાદની વિગતો અનુસાર, આજે ૧૮ તારીખના રોજ સવારના આશરે ૬ વાગ્યાની આસપાસ તેઓ, તેમના પિતા વૈભવ વ્યાસ (એસ.એસ.જી. હોસ્પિટલમાં લેબ ટેક્નિશિયન) અને તેમની નાની બહેન યેશા વૈભવ વ્યાસ (ઉ.વ.૧૭) પાટણ જવા માટે તેમના ઘરેથી પિતાની માલિકીની સ્પ્લેન્ડર મોટરસાઇકલ લઈને વડોદરા એસ.ટી. બસ સ્ટેશન તરફ જઈ રહ્યા હતા.

અ દરમિયાન સવારના આશરે ૬:૧૫ વાગ્યાની આસપાસ તેઓ પ્રેમવતી હોટલ, બી.એ.પી.એસ. સર્કલ પાસે રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. બાઇક શ્રેય ચલાવી રહ્યા હતા અને પાછળ તેમના પિતા વૈભવભાઈ અને બહેન યેશા બેઠા હતા. ત્યારે પાછળથી પૂરઝડપે અને ગફલતભરી રીતે બેદરકારીથી આવતી જી.એસ.આર.ટી.સી.ની સરકારી બસ (રજી. નં. GJ-18-ZT-1523)ના ચાલકે તેમની મોટરસાઇકલને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરને કારણે બાઇકની પાછળ બેઠેલી યેશા વ્યાસ રોડ પર નીચે પડી ગઈ હતી.

દુર્ભાગ્યવશ, એસ.ટી. બસના ડાબી બાજુના આગળના ટાયર નીચે યેશા આવી જતા તેને પેટના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તાત્કાલિક તેને સારવાર માટે બી.એ.પી.એસ. શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માત સર્જનાર એસ.ટી. બસનો રૂટ પાદરા-રાધનપુરનો હતો અને તેના ચાલકનું નામ દિપીલકુમાર કાંતીલાલ શ્રીગોર જાણવા મળ્યું છે. પોલીસે એસ.ટી. બસ ચાલક દિપીલકુમાર વિરુદ્ધ પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી બેદરકારીપૂર્વક મોત નીપજાવવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી વ્યાસ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button