વડોદરાની સોસાયટીમાં તંત્ર સામે રોષ: બેનર મૂક્યા ‘ચૂંટણીમાં વોટ માંગવા આવવું નહીં’…

વડોદરાઃ શહેરમાં અનેક જગ્યાએ પ્રાથમિક સુવિધાનો અભાવ છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મળતી વિગત પ્રમાણે, વડોદરાના દક્ષિણ વિસ્તારમાં 25 વર્ષ પહેલા બનેલી પ્રમુખ કુટીર સોસાયટીમાં છેલ્લા કેટલાય સમયથી ગંદા પાણીથી ઉભરાય છે. અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્રના બહેરા કાને કોઈ વાત સંભળાતી નથી.
આ વિસ્તારમાં ડ્રેનેજના કામ માટે ખોદવામાં આવેલા ખાડા પણ જેમના તેમ છે. સ્થાનિકો કોઈ સંભાળ લેતા નથી. ફોન કરવા છતાં કોઈ વ્યવસ્થિત જવાબ મળતા નથી. ચોમાસામાં પાણી ભરાઈ જતાં અન્ય રોડ રસ્તા પણ તૂટી જતાં રિપેરિંગની કોઈ દરકાર હજી સુધી લેવાઈ નથી. સ્થાનિકોના કહેવા મુજબ વેરા ભરવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી.

પાયાની જરૂરિયાત નહીં મળતા રોષે ભરાયેલા સ્થાનિકોએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વોટ માટે સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનર લગાવ્યા હતા. બેનર લાગતાં જ રાજકીય પક્ષમાં ખળભળાટ મચ્યો છે. આ અગાઉ અમદાવાદમાં પણ સ્થાનિકોએ નેતાઓને આયનો બતાવતા ભાગવું પડ્યું હતું. ગુજરાતમાં રસ્તાઓ અને ગટરના પાણી ભરાઈ જવાની સમસ્યા હવે સામાન્ય બનવાને કારણે લોકોમાં પ્રશાસન અને નેતાઓ તરફ ગુસ્સો વધી રહ્યો છે, જે બાબતમાં ગંભીરતાથી ધ્યાન આપવું જોઈએ, એમ સ્થાનિકોએ જણાવ્યું હતું.