વડોદરા: મેળામાં રાઈડનું લોક ખુલી જવાની ઘટનામાં ત્રણ લોકોની અટકાયત
Vadodara News: વડોદરાના લાલબાગ બ્રિજ પાસે રોયલ મેળામાં બુધવારે રાત્રે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. નાના બાળકોની હેલિકોપ્ટર રાઈડમાં અચાનક લોક ખુલી જતા બાળકો નીચે પટકાયા હતા. ત્યાં હાજર લોકોએ ચીસો પાડીને તાત્કાલિક રાઈડ બંધ કરાવી દીધી હતી. આ ઘટનામાં ચાર બાળકોને સામાન્ય ઈજા થઈ હતી. ભારે વિવાદ બાદ આખરે પોલીસે રાઈડના ઓપરેટર મેળાના આયોજક અને મેળાના મેનેજર સામે ગુનો દાખલ કરી ત્રણ લોકોની અટકાયત કરી હતી.
શું છે ઘટના
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરાના માંજલપુરમાં રોયલ મેળો ચાલી રહ્યો છે. જેમાં રોજ મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યાં છે. બુધવારે રાત્રે આ મેળામાં નાના બાળકોની હેલિકોપ્ટર રાઈડમાં લોક ખુલી ગયું હતું. એક બાળકી નીચે પડતા લોકોએ બુમરાણ કરી હતી. રાઈડ ચલાવનારે તરત જ રાઇડ બંધ કરી દીધી હતી. સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો.
પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું
રોયલ મેળામાં આવેલા લોકોએ જણાવ્યું હતું કે, આ હેલિકોપ્ટરની રાઇડ ઓવર સ્પીડિંગ થતાં લોકોએ ઓપરેટરને બૂમો મારી હતી પણ એ ભાગી ગયો હતો. તેમાં બેઠેલા બાળકો નીચે પડવા માંડ્યા હતા. જેમાં બાળકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જેથી લોકોએ હેલિકોપ્ટર પકડ્યા બાદ વાયર ખેંચીને રાઈડ બંધ કરી હતી. લોકોની સજાગતાને કારણે અહીં મોટી દુર્ઘટના થતાં અટકી ગઈ હતી.
Also read: Pushpa 2: વડોદરામાં દર્શકોનો હોબાળો, જામનગરમાં પોસ્ટર ફાડી વિરોધ પ્રદર્શન
સંચાલકે શું નિવેદન આપ્યું
રોયલ મેળાના સંચાલકે જણાવ્યું હતું કે, કેટલાક બાળકો તોફાન કરતા દરવાજો ખુલી ગયો હતો. જ્યારે વાલીઓએ પણ હોબાળો કરતા ઓપરેટર ગભરાઈને ભાગી ગયો હતો.આ ઘટના ઘટી તેનું અમને દુ:ખ છે. પોલીસે જણાવ્યું હતું કે, રોયલ મેળાના સુપરવાઇઝર હેમરાજ મોરે અને હેલિકોપ્ટર રાઈડના ઓપરેટર અને મેનેજરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.મેળામાં રાઈડ્સ માટે લેવાની જરૂરી પરવાનગી લેવામાં આવી છે કે નહીં તે દિશામાં પણ તપાસ થશે.