વડોદરામાં ‘રેન્જ રોવર’નો કહેર: પૂરપાટ ઝડપે આવતી લક્ઝરી કારે સિગ્નલનો પોલ ઉખાડી નાખ્યો!

અકસ્માત સર્જી ચાલક છૂમંતર…
વડોદરા: ગુજરાતની સંસ્કારી નગરી વડોદરાના રાવપુરા વિસ્તારમાં ગત રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. ઝુબેલીબાગ તરફથી રાવપુરા તરફ પૂરપાટ ઝડપે જઈ રહેલી એક વૈભવી રેન્જ રોવર કારના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર ટાવર ચાર રસ્તા પાસે ડિવાઈડર કૂદી ગઈ હતી. બેફામ બનેલી આ કાર માર્ગ પરના ટ્રાફિક સિગ્નલ પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે સિગ્નલનો આખો પોલ ઊખડી ગયો હતો અને કારનું એક ટાયર પણ નીકળી ગયું હતું.
મળતી વિગતો અનુસાર, અકસ્માતને પગલે કારની એરબેગ્સ ખૂલી ગઈ હતી, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. જોકે, કારના આગળના ભાગના કુરચેકુરચા ઊડી ગયા હતા. ઘટના બનતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, પરંતુ અકસ્માત સર્જીને કારચાલક તરત જ સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.
ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને ટ્રાફિકને અડચણરૂપ બનેલી કારને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે, અકસ્માતગ્રસ્ત રેન્જ રોવર કાર એક વર્ષ પહેલાં જ વેચી દેવામાં આવી હતી. પોલીસે હાલમાં કારના વેચાણના દસ્તાવેજોના આધારે અજાણ્યા ચાલક વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવવા અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બદલ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચો…વડોદરામાં ખાનગી બસ ટ્રક સાથે અથડાઈ, 2નાં મોત, 10 ઈજાગ્રસ્ત
પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે અકસ્માત સમયે કારચાલક નશાની હાલતમાં હતો કે કેમ? તેમજ કારની ચોક્કસ સ્પીડ કેટલી હતી તે જાણવા માટે સીસીટીવી ફૂટેજની પણ મદદ લેવામાં આવી રહી છે. ટ્રાફિક સિગ્નલને થયેલા વ્યાપક નુકસાન અંગે પણ અલગથી ફરિયાદ નોંધીને ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.



