વડોદરાઃ રક્ષિત ચૌરસિયા કેસમાં થયો મોટો ઘટસ્ફોટ, અકસ્માતના દિવસે કર્યું હતું ગાંજાનું સેવન…

વડોદરાઃ હોળીના દિવસે રાત્રે વડોદરામાં 8 લોકોને અડફેટે લેનારા રક્ષિત ચૌરસિયાના કેસમાં મોટો ઘટસ્ફોટ થયો હતો. અકસ્માત બાદ પોલીસે રક્ષિત અને તેના મિત્રોના બ્લડ સેમ્પલ લઈને ગાંધીનગર એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં આરોપી રક્ષિત અને તેના મિત્રોએ ગાંજાનું સેવન કર્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે રક્ષિત ચૌરસિયા, પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.
પોલીસે શું કહ્યું
પોલીસે કહ્યું કે, હોળીના દિવસે કારેલીબાગ વિસ્તારમાં થયેલા અકસ્માત બાદ આરોપીઓના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમને એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. તેમાં ગાંજાની હાજરી મળી હતી. તેઓ ગાંજો ક્યાંથી લાવ્યા હતા તેની તપાસ શરૂ છે. સુરેશ ભરવાડને પકડવા માટે ટીમો બનાવીને શોધખોળ કરવામાં આવી રહી છે. વોક્સવેગન કંપનીનો સંપૂર્ણ રિપોર્ટ આવવાનો બોકી છે. કારની સ્પીડ કેટલી હતી તે એફએસએલ રિપોર્ટ બાદ જ ખબર પડશે. તમામ વૈજ્ઞાનિક, ફોરોન્સિક પુરાવા તથા સાક્ષીઓના નિવેદન બાદ ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.
ક્યાં બન્યો હતો બનાવ
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુક્તાનંદ સર્કલ પાસે ગત 13મી માર્ચ, 2025 રાત્રે નશામાં ચૂર કારચાલકે આઠ લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા, જેમાં હેમાલીબેન પટેલ નામની મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેમના પતિ પૂરવ પટેલને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનામાં સાત લોકો ઘાયલ થયા હતા.
થોડા દિવસ પહેલા લાવવામાં આવ્યો હોસ્પિટલ
થોડા દિવસ પહેલા વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં અકસ્માતની ઘટનામાં આરોપી રક્ષિત ચૌરસિયા સામે સાપરાધ મનુષ્યવધ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા તેને જેલમાં મોકલવામાં આવ્યો હતો, ત્યારે આ આરોપીને મોઢાના ભાગે ઈજાઓ હોવાથી તેની સારવાર જેલના ડોક્ટર પાસે કરવામાં આવી રહી હતી. જ્યારે વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જન વિભાગમાં મોકલવામાં આવ્યો હતો. જ્યાં તેના મોઢાના ભાગે ઇન્જરી હોવાથી ફ્રેક્ચર હોવાનું જાણવા મળ્યું છે અને આગામી દિવસોમાં સર્જરી થઈ શકે તેવી માહિતી બહાર આવી છે.
આ અંગે સયાજી હોસ્પિટલના આરએમઓએ જણાવ્યું હતું કે, હાલમાં તેની સારવાર સયાજી હોસ્પિટલમાં ચાલી રહી છે. આરોપીને સર્જરી વિભાગમાં લાવવામાં આવ્યો હતો અને તેની ચકાસણી કરવામાં આવી હતી.
આપણ વાંચો : Vadodara હાઇ- પ્રોફાઇલ અકસ્માત કેસમાં પોલીસની ધીમી કામગીરી પર ઉઠયા સવાલ, શું આરોપી રક્ષિત ચૌરસિયા છૂટી જશે ?