વડોદરા પોલીસે દક્ષિણ ભારતની કુખ્યાત ગેંગના 12 ચોરને ઝડપ્યા, 25 ગુનાના ઉકેલ્યા ભેદ
અનંત અંબાણીના પ્રી વેડિંગ ફંકશનને બનાવવાના હતા નિશાન

Vadodara Crime News: વડોદરા પોલીસે દક્ષિણ ભારતની ત્રીચી ગેંગનાં 12 રીઢા ચોરને ઝડપી 10 લાખથી વધુ કિંમતના મુદ્દામાલ કબ્જે કરી 25 ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. પોલીસે તેમની પાસેથી 17 મોબાઇલ ફોન, લેપટોપ કબ્જે કર્યા હતા. વડોદરામાં આ ગેંગે 5 ચોરીને અંજામ આપ્યો હતો.
વડોદરાના એસપી લીના પાટીલે જણાવ્યું, આ ટોળકી મોંઘી કારોને નિશાન બનાવતી હતી અને ગિલોલથી જુદાં જુદાં શહેરોમાં પાર્ક થયેલી કારના કાચ તોડતા હતા. આ ગેંગ ગત વર્ષે અનંત અંબાણીના પ્રી વેડિંગ સમારોહમાં આવેલા મહેમાનોની કારને નિશાન બનાવવા માટે પણ પહોંચી હતી. સુરક્ષાના ચાંપતા બંદોબસ્તના કારણે ચોરી કરી શકી નહોતી. આ ગેંગમાં સામેલ લોકોનો પરિવાર ત્રણ પેઢીથી ચોરીની ઘટનાને અંજામ આપે છે.
ગેંગના લીડર જગન બાલાસુબ્રમણ્યમની આ ત્રીજી પેઢી છે, જે ચોરીની ઘટનાને અંજામ આપતી હતી. આ ગેંગમાં એક એન્જિનિયર છે. જે ચોરીના ઇલેક્ટ્રોનિક્સના પાર્ટ્સને તોડીને ડિસમેન્ટલ કરવામાં એક્સપર્ટ છે. થોડા સમય પહેલા યાત્રાધામ શિરડીમાં પણ આ ટોળકીએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ગેંગ સાથે હજુ કેટલા લોકો જોડાયેલા છે તેની પોલીસ તપાસ કરી રહી છે.
પોલીસે તેમની પાસેથી વિવિધ સ્પેરપાર્ટ્સ, એન્જિન, ગિયરબોક્સ, પાનાપક્કડ અને 5 ટન ભંગાર મળી આવ્યો હતો. દેશના જુદા જુદા રાજ્યો જેવાકે મહારાષ્ટ્ર નાં પુના,નાસિક, શિરડી અને ગોવા, દિલ્હી, તેમજ રાજ્યનાં અમદાવાદ, વાપી, જામનગર સહિત શહેરના જુદા જુદા સ્થળો ઉપર આ ટોળકીએ ગુના કર્યા હતા. લક્ઝુરિયસ કારને નિશાન બનાવી આ ટોળકીના સભ્યો ગીલોલમાં લોખંડ નો છરો ભરાવી જોરથી પ્રહાર કરતા હતા. જેનાથી કાચ તૂટી ગયા બાદ એમાં થી બેગ, પર્સ કે થેલો ઉઠાવી ભાગતા હતા.
આ પણ વાંચો…Gujarat Politics: ભાજપમાં ઉકળતો ચરુ, શહેર પ્રમુખને લઈ લેવામાં આવી શકે છે મોટો નિર્ણય
ક્રાઇમ બ્રાન્ચને દક્ષિણ ભારતના લાગતા 12 જેટલા શંકાસ્પદ યુવકો આજવારોડ હાઇવે ચોકડી પાસે પૂલ નીચે રોકાયા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસની ટીમે ત્યાં જઈ તપાસ કરતા તેમની પાસેથી ચોરીના મનાતા લેપટોપ ,ટેબલેટ,મોંઘા ફોન અને સોના ચાંદીના દાગીના રોકકળ રકમ સહિતનો સામાન મળી આવ્યો હતો. જ્યારે ચોરી માટે વપરાતી 3 ગિલોલ 180 ધાતુના છરા સહિત 10.05 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે એમની પૂછપરછ કરતા તેઓ ત્રીચી ગેંગનાં સભ્યો હોવાની એન કારના કાચ તોડી કીમતી સામાનની ચોરી કરતા હોવાનું કબૂલ્યું હતું.