વડોદરામાં નંબર પ્લેટ વિનાની બુલેટ લઈને નિકળેલા યુવકની પોલીસે કરી બેફામ ધોલાઈ, હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો

વડોદરા: તાજેતરમાં જ ગુજરાતના નાયમ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પોલીસ કર્મચારીઓને લોકો સાથે સારૂ વર્તન કરવાની સહાલ આપી હતી. તેમણે કહ્યું હતું કે પોલીસને જોઈને ગુનેગારો ધ્રૂજવા જોઈએ પરંતુ સામાન્ય નાગરિકો સાથે પ્રેમથી વર્તન થવું જોઈએ. જો કે આ સલાહ આપ્યાને બાદ જાણે પોલીસ તેને ઘોળીને પી ગયા હોય તેવો એક કિસ્સો બહાર આવ્યો છે. જેમાં વડોદરામાં નંબર પ્લેટ વિનાની બુલેટ લઈને નિકળેલા યુવકની પોલીસે બેફામ ધોલાઈ કરી હોવાની ઘટના ઘટી હતી, જેમાં યુવકને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.
મળતી વિગતો અનુસાર, વડોદરામાં નંબર પ્લેટ વગરના વાહન ચલાવવા બાબતે એજ યુવક સાથે પોલીસકર્મીઓએ ક્રૂર વર્તન કર્યું હોવાના અહેવાલ છે. ઇજાગ્રસ્ત યુવકે પોલીસે આક્ષેપ કર્યો હતો કે પોલીસે તેને વેનમાં બેસાડીને માર માર્યો હતો. જો કે અહીથી ન અટકતા પોલીસકર્મીઓ યુવકને ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા અને ત્યાં ACP અને અન્ય કોન્સ્ટેબલોએ તેને દંડા વડે માર માર્યો હોવાનો આક્ષેપ યુવકે કર્યો હતો. યુવકે એવો પણ આક્ષેપ કર્યો છે કે તેને સુવડાવીને તેના ગુપ્ત અંગોમાં પણ ઇજાઓ પહોંચાડવામાં આવી છે.
આ ઘટના ડિયાબજાર નર્સિંગ હોમ ચાર રસ્તા પાસે બની હતી અને આ અંગે યુવકે રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના અંગે પોલીસ દ્વારા ત્રણ વીડિયો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સૌપ્રથમ યુવક અને પોલીસ વચ્ચે બોલચાલી થઈ રહી છે, જેમાં પોલીસ યુવકને સમજાવી રહી હોય તેમ દેખાઈ રહ્યું છે. બાદમાં પોલીસકર્મીઓ યુવકની બાઇક લઈ જતાં અને યુવકને પોલીસ વેનમાં બેસાડતા જોવા મળી રહ્યા છે અને આ સમયે પોલીસે યુવક સાથે ગેરવર્તન કર્યું હોવાનું જણાઈ આવ્યું હતું.



