વડોદરાના સયાજીબાગ ઝૂમાં કોબ્રાના દંશથી સિંહણનું મોત

વડોદરાઃ દેશના સૌથી જૂના પ્રાણીસંગ્રહાલયો પૈકીના એક એવા વડોદરાના સયાજીબાગ ઝૂમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. સિંહણ અને કોબ્રા વચ્ચે સોમવારી થયેલી લડાઈમાં છ વર્ષની સિંહણ સમૃદ્ધિનું શુક્રવારે મોત થયું હતું. પ્રાણી સંગ્રહાલયના અધિકરીઓએ તેને એન્ટીવેનમ (ઝેર વિરોધી રસી) આપીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. છતાં બચાવી શકાઈ નહોતી.
કેવી રીતે બની ઘટના
સોમવારે જ્યારે સમૃદ્ધિ તેના ખુલ્લા એન્ક્લોઝરના એક ખૂણામાં આરામ કરી રહી હતી, ત્યારે એક કોબ્રા ત્યાં આવી ચઢ્યો હતો. સિંહણે સાપને જોતા જ તેના પર તરાપ મારી હતી. કોબ્રાએ ચેતવણી આપવા માટે ફેણ ચડાવી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, સમૃદ્ધિ લડાયક મૂડમાં હતી અને કોબ્રા પર સતત હુમલો કરી રહી હતી, જેની સામે કોબ્રાએ પણ વળતો પ્રહાર કર્યો હતો.
બે વખત માર્યો હતો દંશ
સેક્યુરિટી ગાર્ડે કોબ્રાને જોયો અને ઝૂ સત્તાવાળાઓને જાણ કરી તે પહેલા આ લડાઈ થોડી મિનિટો સુધી ચાલી હતી. ત્યાં સુધીમાં કોબ્રાએ સમૃદ્ધિને બે વાર દંશ માર્યો હતો. ઝૂના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને વન વિભાગને જાણ કરી. કોબ્રાને પકડ્યા બાદ સિંહણની સારવાર શરૂ કરવામાં આવી હતી.
સયાજીબાગ ઝૂના ઇતિહાસની પ્રથમ ઘટના
છેલ્લા પાંચ દિવસમાં સમૃદ્ધિને એન્ટીવેનમના 10 ડોઝ આપ્યા હતા. ઝેરને કારણે સોજો આવી ગયો હતો પરંતુ સમૃદ્ધિ સારવારમાં સારો પ્રતિસાદ આપી રહી હતી. શુક્રવારે સાંજે તેને અચાનક ખેંચ આવી અને તેનું મૃત્યુ થયું હતું. સયાજીબાગ ઝૂના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના હતી. સમૃદ્ધિને ડિસેમ્બર 2021માં જૂનાગઢ ઝૂથી સયાજીબાગ લાવવામાં આવી હતી. મેનેજમેન્ટ તેની જોડી બનાવવા માટે એક યુવાન સિંહ લાવવાની યોજના બનાવી રહ્યું હતું.
અગાઉ એક ધામણને મારી નાખી હતી
આશરે પાંચ મહિના પહેલા સયાજીબાગ ઝૂમાં તેના એન્ક્લોઝરમાં ઘૂસી આવેલા એક ધામણ સાપ સાથે પણ સમૃદ્ધિની લડાઈ હતી. ત્યારે સમૃદ્ધિએ તે બિનઝેરી સાપને મારી નાખ્યો હતો. ઝૂના અધિકારીઓએ જણાવ્યું કે તે ખૂબ જ રમતિયાળ અને હિંમતવાન હતી.



