
વડોદરાઃ વડોદરા નેશનલ હાઈવે પર સતત બીજા દિવસે અકસ્માત સર્જાયો હતો. અમરેલીથી સુરત જતી લકઝરીએ આગળ જતી ટ્રકને ટક્કર મારી હતી. બામણગામના પાટિયા પાસે સર્જાયેલા અકસ્માતમાં બસના ડ્રાઇવરનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું અને 20થી વધારે લોકોને ઈજા પહોંચી હતી. જેમાં બેની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
બસના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો
મળતી વિગત પ્રમાણે, લકઝરી બસ અમરેલીથી સુરત જઈ રહી હતી. ડ્રાયવરે ઓવરટેકની લ્હાયમાં ઓવર સ્પીડે બસ ચલાવતાં સંતુલન ગુમાવતાં આગળ જતી ટ્રકમાં ધડાકાભેર ઘૂસી ગઈ હતી. જેના કારણે બસના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને ડ્રાઇવરનું મોત થયું હતું.
વાહન વ્યવહાર થોભાવીને રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી
અકસ્માતની જાણ થતા નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ અને પોલીસ સ્થળ પર દોડી આવી હતી. લકઝરીના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હોવાથી વિવિધ સાધનો વડે કાપીને ડ્રાઈવરનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. અકસ્માતના કારણે થોડીવાર માટે હાઈવે પર વાહન વ્યવહાર થોભાવીને રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી.
ગઈકાલે પણ બે લોકોના મોત થયા હતા
ઉલ્લેખનીય છે કે ગઈકાલે વહેલી સવારે પણ વડોદરા નેશનલ હાઇવે 48 પર અકસ્માત સર્જાયો હતો. કરજણ ધાવટ ચોકડી પરના બ્રિજ પર ઔરંગાબાદથી અમદાવાદ જઈ રહેલી ખાનગી બસ સાઇડમાં ઉભેલા ટ્રક સાથે અથડાઈ હતી. જેમાં 2નાં મોત અને 10 ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
આ પણ વાંચો…ગોંડલ પાસે ભયાનક અકસ્માત: પુલ પરથી ખાબકેલી કારમાં આગ લાગતાં 3 લોકો ભડથું



