હવે નહીં ચાલે બહાનાબાજીઃ વડોદરા પાલિકા કર્મચારીઓની હાજરી માટે AI સિસ્ટમ લાગુ કરશે…

વડોદરાઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આગામી દિવસોમાં હાજરી માટે એઆઈનો ઉપયોગ કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આગામી ટૂંક સમયમાં પાલિકાના વર્ગ 1થી વર્ગ-4ના 8000 કર્મચારીઓની હાજરી એઆઈ બેઇઝ્ડ સિસ્ટમથી પુરવાની શરુઆત કરવામાં આવશે. હાલ કોર્પોરેશન દ્વારા કર્મચારીઓ અને અધિકારીઓની હાજરી માટે થમ્બ અને ફેસ રેકગ્નિશન સિસ્ટમ દ્વારા પુરવામાં આવે છે.
સિસ્ટમ પાછળ રૂપિયા પાંચથી 6 લાખ ખર્ચાશે
સૂત્રોના કહેવા પ્રમાણે, એઆઈ બેઇઝ્ડ સિસ્ટમ લાગુ થતાં પૂર્વ ચોક્કસ નિયમો બનાવવામાં આવશે. જેમાં ઓફિસ વર્ક કરતાં કર્મચારીઓ માટે આવવાનો અને જવાનો સમય નક્કી કરવો, ફિલ્ડમાં કામ કરતા કર્મચારીઓ માટેના નિયમો, ચોથા વર્ગના કર્મચારીઓ માટેના નિયમો સહિત વિવિધ નિયમો બનાવવામાં આવશે. આ સિસ્ટમથી પારદર્શકતા આવશે. તેમજ સમયની પણ બચત થશે. આ સિસ્ટમ પાછળ રૂપિયા પાંચથી 6 લાખનો ખર્ચ થશે. આ અંગેની ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે.
એઆઈ બેઝ્ડ હાજરી સિસ્ટમ લાગુ પડશે
વડોદરા કોર્પોરેશનમાં લાગુ થનારી એઆઈ બેઝ્ડ હાજરી સિસ્ટમ અંગે વધુ માહિતી આપતા સૂત્રોએ જણાવ્યું કે, કર્મચારીનું નોકરીનું જે સ્થળ હશે ત્યાં તે પોતાનો મોબાઈલ લઈને જશે તો જ તેની હાજરી પૂરાશે. એટલે કે, પાલિકાએ પોતાની વિવિધ કચેરીઓની ચોક્કસ જગ્યા મર્યાદામાં આ અંગે લોકેશનના આધારે કર્મચારીની હાજરી ગણાશે. જે કર્મચારીઓ પાસે મોબાઈલ નથી તેવા વર્ગ-4ના કર્મચારીઓની જે તે વિભાગના સુપરવાઇઝર દ્વારા ગ્રુપ ફોટોના માધ્યમથી કર્મચારીઓની હાજરી પુરવામાં આવશે.