સુરક્ષાની પહેલઃ વડોદરાની એમએસ યુનિવર્સિટીના તમામ કેમ્પસમાં ફાયર સેફ્ટી સિસ્ટમ્સ લાગશે…

યુનિવર્સિટીના ૧૪૦ જેટલા ભવનને સમાવી લેવાશે, હેરિટેજ સ્ટ્રક્ચર્સમાં કામગીરીનો મોટો પડકાર
વડોદરાઃ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ટૂંક સમયમાં નેશનલ બિલ્ડિંગ કોડ માર્ગદર્શિકા અનુસાર તેના તમામ ભવનોમાં ફાયર સેફ્ટિ સિસ્ટમ લગાવાશે. આ પ્રોજેક્ટ માટે આશરે ₹ ૧૫ કરોડ ખર્ચ થશે. આ પહેલના ભાગરૂપે, દરેક ફેકલ્ટીમાં એક પાણીની ટાંકી હશે જે પાઇપલાઇન નેટવર્ક દ્વારા તેના ભવનો સાથે જોડાયેલી હશે.
અગ્નિશામક યંત્રો, સ્મોક ડિટેક્ટર અને અન્ય સેફ્ટિ ઉપકરણો પણ સ્થાપિત કરવામાં આવશે. કામ પૂર્ણ થયા પછી, દરેક ભવન ફાયર બ્રિગેડ પાસેથીના એનઓસી મેળવશે.
યુનિવર્સિટીમાં 140 જેટલા ભવનો વિવિધ કેમ્પસમાં પથરાયેલા છે, જેમાં આર્ટસ, કોમર્સ, સાયન્સ, એજ્યુકેશન, સાયકોલોજી, ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ, પર્ફોર્મિંગ આર્ટસ અને ફાઇન આર્ટસ જેવી મુખ્ય ફેકલ્ટી, તેમજ ડી એન હોલ કેમ્પસનો સમાવેશ થાય છે.
પ્રથમ તબક્કામાં હાથ ધરાયેલ પર્ફોર્મિંગ આર્ટસ ફેકલ્ટીનું કામ પહેલેથી જ પૂર્ણ થઈ ગયું છે, અને ફેકલ્ટીને તેનું ફાયર એનઓસી મળી ગયું છે. આગામી તબક્કામાં પોલિટેકનિક કોલેજ અને હોલ્સ ઓફ રેસિડેન્સ (હોસ્ટેલ્સ) નો સમાવેશ થાય છે, જ્યારે કોમર્સ, આર્ટસ અને સાયન્સ જેવી મુખ્ય ફેકલ્ટીઓ અંતિમ તબક્કામાં લેવામાં આવશે.
સૂત્રોએ યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારથી હાથ ધરાયેલો આ પ્રથમ વ્યાપક ફાયર સેફ્ટિ પ્રોજેક્ટ છે. સૌથી મોટો પડકાર હેરિટેજ સ્ટ્રક્ચર્સમાં આ સિસ્ટમ લાગુ કરવાનો છે. જોકે કુલ ખર્ચ વધી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે જો પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે જરૂર પડશે તો યુનિવર્સિટી રાજ્ય સરકારની સહાય માંગી શકે છે.
આ પણ વાંચો…વડોદરા MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીના મોત બાદ મોટો નિર્ણય: વિદ્યાર્થી સુરક્ષા માટે SOP તૈયાર થશે