વડોદરામાં એમબીએના વિદ્યાર્થીનો રહસ્યમય હાલતમાં મૃતદેહ મળ્યો…

અમદાવાદઃ વડોદરામાં રહી માસ્ટર ઓફ મેનેજમેન્ટ (એમબીએ)નો અભ્યાસ કરતા મૂળ જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ઘટનાની મળતી વિગતો અનુસાર અહીંના ફતેહગંજ વિસ્તારમાં એક પીજીમાં રહેતો 25 વર્ષનો યુવાન ગતિક અજયકુમાર દાસ 14મી તારીખે મિત્રો સાથે ફિલ્મ જોવા ગયો હતો અને મોડી રાત્ર દોઢેક વાગ્યા આસપાસ પોતાના રૂમે આવી ઊંઘી ગયો હતો. આ વિદ્યાર્થી પારૂલ યુનિવર્સિટીમાંથી એમબીએનો કોર્સ કરતો હોવાનું જાણવા મળ્યું છે.
15મી સાંજ સુધી તે ઉઠ્યો નહીં તેથી પીજી માલિકે 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી, જેમણે વિદ્યાર્થીને તપાસી તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ ફતેહગંજ પોલીસને કરવામાં આવતા તે પણ આવી હતી અને કેસ નોંધી તપાસ આગળ વધારી હતી. યુવાનનાં મોતનું કારણ હજુ જાણવા મળ્યું નથી. વિદ્યાર્તીનું મોત કુદરતી છે કે અન્ય કોઈ કારણ છે તે હવે જાણવા મળશે, પરંતુ આ ઘટનાથી તેના પરિવાર અને મિત્રો શોકમાં ડૂબી ગયા છે.



