વડોદરાના ઐતિહાસિક માંડવી ગેટનું રૂ. 4.96 કરોડના ખર્ચે ‘કાયાકલ્પ’ કરાશે

વડોદરા: શહેરની શાન અને ઐતિહાસિક ઓળખ ગણાતા માંડવી ગેટના જીર્ણોદ્ધાર માટે વડોદરા મહાનગરપાલિકાએ કમર કસી છે. પાલિકા દ્વારા માંડવી ગેટના રિનોવેશન માટે રૂ. 4.96 કરોડનો પ્રસ્તાવ મંજૂરી અર્થે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે.
જાન્યુઆરી 2025 માં ગેટના દક્ષિણ-પશ્ચિમ હિસ્સાના થાંભલામાં તિરાડો જોવા મળ્યા બાદ, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના નિષ્ણાતોએ પણ આ સ્મારકને જર્જરિત જાહેર કરીને તાત્કાલિક મરામતની સલાહ આપી હતી.
આપણ વાચો: ગુજરાતનો દરિયાઈ માર્ગ બન્યો ‘આંતરરાષ્ટ્રીય ગેટવે’: હજીરા અને પીપાવાવ પોર્ટ હવે ઇમિગ્રેશન ચેકપોસ્ટ!
છેલ્લા એક વર્ષથી આ હેરિટેજ માળખાની સ્થિતિ વધુ વણસી રહી હતી, જેને સુરક્ષિત રાખવા માટે હાલમાં સ્ટીલના ગર્ડરો અને બેરિકેડિંગનો ટેકો આપવામાં આવ્યો હતો. પાલિકા દ્વારા બે વખત ટેન્ડર પ્રક્રિયા નિષ્ફળ ગયા બાદ, આખરે એક એજન્સી નક્કી કરવામાં આવી હતી. આ એજન્સી સાથે વાટાઘાટો કરીને પ્રોજેક્ટની કિંમત રૂ. 5.08 કરોડથી ઘટાડીને રૂ. 4.96 કરોડ નક્કી કરવામાં આવી હતી.
રિસ્ટોરેશનના આ પ્રોજેક્ટમાં માંડવી ગેટની મૂળભૂત ડિઝાઇનમાં કોઈ ફેરફાર કર્યા વિના તેને મજબૂતી આપવામાં આવશે. દરખાસ્ત મુજબ, ચોમાસાના સમયગાળાને બાદ કરતાં અંદાજે 27 મહિનામાં આ કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ સપ્તાહે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં આ દરખાસ્ત પર અંતિમ મહોર લાગવાની શક્યતા છે.



