વડોદરા: જ્વેલર્સમાં હાઈ-ફાઈ ચોરી! મોડર્ન દેખાતી 3 મહિલાઓ 10 લાખના દાગીના સેરવી ફરાર થઈ ગઈ

વડોદરાઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. મોડર્ન લૂકની મહિલાઓએ નજર ચૂકવી 8 સોનાની બંગડીઓ સેરવી લીધી હતી. સ્ટોકની ગણતરી વખતે બંગડીઓ ઓછી જણાતા સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. જેમાં આ ઘટના સામે આવી હતી. 10 લાખના દાગીનાની ચોરીથી ખળભળાટ મચી ગયો હતો.
મળતી વિગત પ્રમાણે, શહેરના જેતલપુર રોડ પર આવેલા એક જ્વેલર્સના શો રૂમમાં ગ્રાહકના સ્વાંગમાં ત્રણ મહિલાઓ આવી હતી. મોર્ડન દેખાતી આ મહિલાએ સેલ્સગર્લની નજર ચૂકવી 10 લાખની કિંમતના દાગીના સેરવી લીધા હતા. રાત્રે સ્ટોકની ગણતરી સમયે દાગીના ઓછા માલૂમ પડ્યા હતા. સીસીટીવી ચેક કરતાં ગ્રાહક બનીને આવેલી ત્રણ મહિલાએ દાગીનાની ચોરી કરતાં કેદ થઈ હતી.
આ પણ વાંચો: કેરળના સબરીમાલા મંદિરમાં સોનાની ચોરી કોણે કરી? વિપક્ષી ગઠબંધને સરકારને ભીંસમાં લીધી, જાણો સમગ્ર મામલો?
ત્રણ દિવસ પહેલા બપોરે રોજના ક્રમ મુજબ સેલ્સનું કામ કરતા કર્મચારીઓ વારાફરતી જમવા જતા હતા ત્યારે સવા વાગે ત્રણ મહિલા આવી હતી. સેલ્સ ગર્લે તેમને બંગડીઓ બતાવી હતી.પરંતુ મહિલાઓ પસંદ કરતી નહતી અને બીજી ડિઝાઇન જોવા માંગતી હતી.ત્યારબાદ 15 મિનિટમાં ત્રણેય મહિલાઓ અમને બંગડીઓ પસંદ પડતી નથી તેમ કહી નીકળી ગઇ હતી.
રાતે સ્ટોકની ગણતરી વખતે રૂ. 10 લાખની કિંમતની આઠ બંગડી ઓછી દેખાતાં કેમેરા ચેક કરવામાં આવ્યા હતા.જે દરમિયાન ત્રણ મહિલાઓ પૈકી એક મહિલા બંગડીઓનું બોક્સ પોતાની બેગમાં નાંખતી દેખાઇ હતી. જેથી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.