વડોદરામાં પાણી લાઈનની કામગીરી દરમિયાન ગેસ લાઈન તૂટી, 4000 ઘરોમાં ગેસ પુરવઠો ખોરવાયો

વડોદરાઃ શહેરમાં પાણીની કામગીરી દરમિયાન ગેસ લાઇન તૂટી હતી. જેના કારણે ચાર દરવાજા વિસ્તારમાં આશરે ચાર હજાર લોકોના ઘરમાં ગેસ પુરવઠો ખોરવાયો હતો. મળતી વિગત પ્રમાણે, શહેરમાં ગાજરાવાડી પાણીની ટાંકી પાસે કોન્ટ્રાક્ટર દ્વારા પાણીની કામગીરીનું કામ કરવામાં આવતું હતું. આ સમયે મેઇન ગેસ લાઈન તૂટી ગઈ હતી. જેના કારણે ગેસનો પુરવઠો ખોરવાઈ ગયો હતો.
ગાજરાવાડી પાણીની ટાંકી પાસે પાણીની લાઈન નાખવા માટેનું કામ ઈજારદાર દ્વારા ચાલી રહ્યું હતું. આ દરમિયાન ખોદકામ ટાણે ગાજરાવાડીથી શહેરના ચાર દરવાજા વિસ્તારમાં જતી મુખ્ય 225 એમએનની ગેસ લાઇન ક્ષતિગ્રસ્ત થઈ હતી. ગેસ લાઇન તૂટતા ગેસના ફુવારા ઉડ્યા હતા. આના કારણે ચાર દરવાજા સુધી જતો ગેસનો પુરવઠો ખોવાયો હતો.
આ પણ વાંચો: જૂનાગઢમાં ગેસની લાઈન તૂટતાં લાગી ભીષણ આગ, ત્રણ લોકોનાં મોત…
બનાવ અંગેની જાણ ગેસ વિભાગને કરવામાં આવતા અધિકારીઓ અને કર્મચારીઓનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમારકામ હાથ ધર્યું હતું. કોન્ટ્રાક્ટરની ભૂલના કારણે હજારો લોકોને રસોઈ બનાવવામાં અગવડ પડી હતી.
ઉલ્લેખનીય છે કે શહેરના કારેલીબાગ રાત્રી બજાર નજીક અઠવાડિયા પહેલા ગેસની મુખ્ય લાઈનમાં પડેલા ભંગાણને કારણે 2 કલાક સુધી ગેસ પુરવઠો ખોરવાયો હતો. સમી સાંજે થયેલા ભંગાણને કારણે અંદાજિત 2 હજારથી વધુ મકાનમાં ગૃહિણીઓ અટવાઈ હતી. ગેસ વિભાગની ટીમે ફિલ્ટરેશન એલિમેન્ટ બદલ્યા બાદ ફરી ગેસ પુરવઠો શરૂ કરાયો હતો.