Video: વડોદરામાં ભારે જહેમત બાદ ચાર ફૂટના મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું

વડોદરાઃ ચોમાસની સિઝન પૂરી થઈ ગઈ હોવા છતાં વડોદરામાં મગર નીકળવાનો સિલસિલો યથાવત્ રહ્યો હતો. વડોદરા શહેરમાં 10 દિવસમાં બીજી વખત મગરનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. શહેરના હરણી સમા લિંક રોડ પર આવેલી એક રેસિડેન્સીના પાર્કિંગમાં 4 ફૂટનો મગર આવી ચડ્યો હતો. ભારે જહેમત બાદ તેનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
મગર સોસાયટીમાં આવી ગયો હોવાની જાણ રહીશોને થતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને લોકોએ બૂમાબૂમ કરતાં લોકોનાં ટોળાં એકત્ર થઈ ગયાં હતાં. મગરને જોયા બાદ લોકોમાં દોડધામ મચી હતી અને ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. સ્થાનિક વ્યક્તિએ વન વિભાગ અને કેનાઈન ગ્રુપને જાણ કરી હતી કે ફ્લેટની નીચે ટૂ-વ્હીલર પાર્કિંગમાં મગર આવી ચડ્યો છે.
આ પણ વાંચો : Vadodara માં સાત ફુટના મહાકાય મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરાયું
ઘટનાની જાણ થતાં જ વન વિભાગની સાથે રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ સમયે મગર ટૂ-વ્હીલરની નીચે બેસી ગયો હતો. રેસ્ક્યૂ કરવા જતા તે છંછેડાઈ ગયો, જેને પગલે લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ટૂ-વ્હીલર નીચે બેઠેલા મગરને પકડવા જતાં એ ભાગીને કાર નીચે જઈને સંતાઈ ગયો હતો. ભારે જહેમત કરીને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યો હતો અને વડોદરા વન વિભાગના રેસ્ક્યૂ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો હતો.



