Vadodara માં વાહન ચેકિંગ દરમ્યાન 1.78 કરોડનો બિયર-દારૂનો જથ્થો ઝડપાયો
વડોદરા:વડોદરા(Vadodara) ગ્રામ્ય એલસીબીએ છેલ્લા 24 કલાકમાં કરજણ, વરણામા, મંજુસર પોસ્ટની હદમાંથી અલગ અલગ 4 વિદેશી દારૂ ભરેલા કન્ટેનરો ઝડપી પાડી 95 લાખથી વધુની કિંમતની દારૂની કુલ 77 જપ્ત કરી છે. સાથે જ કન્ટેનર, મોબાઈલ ફોન, બેરલો વિગેરે મળી કુલ રૂ.1,78,22,496ની કિંમતનો વિશાળ મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઇવે નંબર 48 માગલેજ ગામે ચોકડી ઉપર ભરૂચ તરફથી વડોદરા તરફ આવતી ટ્રેક ઉપર એલસીબીની ટીમ વોચ તથા શંકાસ્પદ વાહન ચેકીંગની કામગીરી કરી રહી હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં પોર્ટરની આડમાં થતી દારૂની ખેપ ઝડપાઈ, આવી હતી મોડસ ઓપરેન્ડી
કન્ટેનરમાંથી વિદેશી દારૂની 950 પેટી
આ દરમિયાન એક કન્ટેનરની તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને મહારાષ્ટ્ર રહેવાસી ડ્રાઈવર અબ્દુલમલીક હમીદહુસેન ખાનના કન્ટેનરમાંથી વિદેશી દારૂની 950 પેટી, કુલ બોટલ નંગ -45,600 જેની કિંમત 45,60,000 તથા મોબાઈલ ફોન-કન્ટેનર રૂપિયા 10 લાખ સહિત કુલ 55.65 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
71.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો
તે જ પ્રકારે વરણામા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી ટીમ ગોલ્ડન ચોકડીથી કપુરાઈ ચોકડી તરફની ટ્રેક ઉપર પેટ્રોલીંગ દરમિયાન બાતમીને આધારે, શ્રધ્ધા કાઠીયાવાડી હોટલના પાર્કીંગમાંથી એક કન્ટેનર પકડી પાડ્યો હતો. હરિયાણા ડ્રાઈવર તોફિક ઉસ્માન પકડી તેના કન્ટેનરની તપાસ કરતા તેમાંથી વિદેશી દારુની પેટી નંગ-285, કુલ બોટલ નંગ 10,692 જેની કિમત રૂ.23,47,968 તથા પ્રવાહી ભરેલ પતરાના બેરલ નંગ- 64, કિંમત 32,62,464 અને કન્ટેનર કિંમત 15 લાખ રૂપિયા મળી કુલ 71.15 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
એલસીબીએ વરસાડા ગામની સીમ પાસેથી હાઈવે નંબર 4 ઉપરથી ભરૂચ થી વડોદરા તરફ જતા એક કન્ટેનરની તપાસ કરતી હતી. આ કન્ટેનરમાંથી પોલીસને 11.35 લાખની કિંમતનો વિદેશી દારુ/બીયરની કુલ 367 પેટી, કુલ બોટલ નંગ-8808 ઝડપી પાડ્યો હતો. એલસબીની ટીમે કન્ટેનરની કિંમત 10 લાખ એમ કુલ મળી મળી કુલ રૂપિયા 21.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
એલસીબી ટીમે બાતમીના આધારે કન્ટેનરની તપાસ કરી
જ્યારે મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી ટીમ પેટ્રોલીંગમાં દરમિયાન બાતમીના આધારે એકસપ્રેસ વે ટોલનાકા ઉપર વડોદરાથી અમદાવાદ તરફ જતા એક કન્ટેનરની તપાસ કરતા તેમાંથી કુલ કિંમત 14.91 લાખની બિયરની 511 પેટી મળી આવી હતી. પોલીસે કુલ બીયર નંગ-12,264 તથા કંન્ટેનર કિંમત 15 લાખ તથા કાગળોની ફાઈલ તેમજ સફેદ પાવરડર ભરેલ થેલી નંગ-280 એમ કુલ મળી કુલ રુપિયા-30.01 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
વિદેશી દારૂ ભરેલ બોટલો કબજે કરી
આમ વડોદરા ગ્રામ્ય જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા છેલ્લા 24 કલાકના સમયગાળામાં કરજણ, વરણામા, મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ અલગ કુલ-4 કન્ટેનરોમાં સફેદ પાવડરની બેગ તથા બેરલોની આડમાં લઇ જવાતો વિદેશી દારૂ ભરેલ બોટલો,બીયરના ટીન મળી કુલ 2113 પેટી જપ્ત કરી હતી. જેમાં કુલ બોટલો નંગ- 77,364 હતી, જેની કિંમત 95,35,032 થાય છે. આ ઉપરાંત પોલીસે 4 જેટલાં કન્ટેનર, મોબાઇલ ફોન સહિતનો કુલ 1,78,22,496નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.