વડોદરામાં કાળજું કંપાવતી ઘટના, પ્રેમમાં બાધારૂપ બનતા પુત્રીએ જ પિતાની હત્યા કરાવી…

વડોદરા : ગુજરાતના વડોદરામાં કાળજું કંપાવતી ઘટના બની છે. જેમાં વડોદરાના પાદરામાં એક 17 વર્ષની યુવતીએ માતા પિતાને નશીલી દવા પીવડાવીને બોયફ્રેન્ડના હાથે પિતાની હત્યા કરાવી છે.આ અંગે પોલીસ તપાસના જાણવા મળ્યું છે કે પિતા પુત્રીના પ્રેમસબંધનો વિરોધ કરતા હતા. જેના પગલે પુત્રીએ હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. પોલીસે જણાવ્યું કે બોયફ્રેન્ડ અને તેના સાથીએ ચાકુ વડે હુમલો કરીને પુત્રીની હાજરીમાં તેના પિતાની હત્યા કરી હતી. આ ખુલાસા બાદ લોકો આશ્ચર્યમાં મુકાયા છે.
હત્યાનો મુખ્ય આરોપી રણજીત વાધેલા
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ વડોદરાના પાદરામાં પુત્રીએ પિતાની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. જેના પુત્રીએ પહેલા 16 ડિસેમ્બરના રોજ માતા પિતાને નશીલી દવા પીવડાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેને 18 ડિસેમ્બરના રોજ સફળતા મળી હતી. આ હત્યાનો મુખ્ય આરોપી રણજીત વાધેલા છે જેની ઉંમર 25 વર્ષની છે. આ યુવકની યુવતીના પિતા શાના ચાવડા દ્વારા નોંધાવામા આવેલી ફરિયાદ બાદ પોકસો એકટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જે થોડા સમય પૂર્વે જામીન પર જેલની બહાર આવ્યો હતો.
15 દિવસ પૂર્વે રણજીત અને શાના ચાવડા વચ્ચે ઝધડો થયો
જયારે શાના ચાવડાની હત્યા બાદ તેમના ભાઈ મોતીભાઈએ પોલીસને જણાવ્યું હતું કે યુવતી જુલાઈ માસમાં રણજીત વાધેલા સાથે ભાગી ગઈ હતી. તેની બાદ રણજીત વાધેલાની પોક્સો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત એ પણ જાણવા મળ્યું છે કે જામીન પર બહાર આવ્યા બાદ રણજીતે ફરી યુવતીને મળવાનું શરુ કર્યું હતું. જેના લીધે 15 દિવસ પૂર્વે રણજીત અને શાના ચાવડા વચ્ચે ઝધડો પણ થયો હતો.
રણજીતે ધમકી આપી હતી
ત્યારે મોતીભાઈએ પોલીસને જણાવ્યું કે તે સમયે પણ રણજીતે ધમકી આપી હતી તે યુવતી સાથે તે લગ્ન કરશે. તેમજ જે કોઈ પણ તેની આડે આવશે તેને મારી નાખીશ. ત્યારે પોલીસનું કહેવું છે રણજીત ઉપરાંત પુત્રી પણ તેના પિતાની હત્યાનું ષડયંત્ર રચી રહી હતી. આ ઉપરાંત શાના ચાવડાની મોટી પુત્રીએ પણ તેના પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા. જેના લીધે પુત્રીના પિતા રણજીત સાથે લગ્નનો વિરોધ કરી રહ્યા હતા.
આ પણ વાંચો…‘બાથરૂમની સાંકળ વાસી, 3 લાખની ચોરી’: વડોદરામાં પાડોશીએ જ પાડોશીના ઘરમાં ધાડ પાડી, અને પછી જે થયું…



