વડોદરાના ડભોઈમાં હડકાયા શ્વાનનો આતંકઃ 25 લોકોને બચકાં ભર્યાં

વડોદરાઃ ડભોઇમાં હડકાયેલા શ્વાને 3 કલાકમાં 25 જેટલા લોકોને બચકાં ભરતા હાહાકાર મચી ગયો હતો. આતંક મચાવનાર શ્વાનના હુમલાનો ભોગ બનેલા 10 ઇજાગ્રસ્તોને વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોએ નગરમાં વધી ગયેલા શ્વાનનો ત્રાસ દૂર કરવા તંત્ર પાસે માગ કરી હતી.
મળેલી વિગત પ્રમાણે, ડભોઇ નગરમાં હડકાયેલા શ્વાન નાંદોદી ભાગોળ, સુરજ ફળિયા, રબારી વગા, શિનોર ચોકડી, બેગવાડા અને ભીલવાડા જેવા વિસ્તારોમાં જે વ્યક્તિ દેખાય તેની પાછળ દોડી હુમલા કર્યો હતો. માત્ર 3 કલાકમાં આશરે 25થી 30 જેટલા લોકોને બચકાં ભરી ઈજા કરી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. ઉપરાંત ભયનો માહોલ છવાઇ ગયો હતો. શરૂઆતમાં લોહીલુહાણ હાલતમાં ડભોઇ સરકારી દવાખાને પહોંચ્યા હતા. તબીબોએ ઈજાગ્રસ્તો પૈકી ગંભીર રીતે ઘવાયેલા 10 લોકોને વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે રિફર કર્યા હતા.
આ પણ વાંચો: સ્કૂલથી પરત ફરતી છોકરી પર રખડતા શ્વાનનો હુમલો: સ્થાનિકોમાં રોષ
આતંક મચાવનાર હડકાયેલા શ્વાને બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને શિકાર બનાવ્યા હતા. શ્વાનના હુમલાથી કેટલાક લોકોના હાથ, પગ અને ચહેરા પર ઊંડા ઘા પડ્યા હતા. ડભોઇ નગરમાં 3 કલાક સુધી શ્વાનના ચાલેલા આ આતંક દરમિયાન તંત્ર દ્વારા કોઈ તાત્કાલિક કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો.
શ્વાન કરડે તો તાત્કાલિક શું કરશો?
ઘા સાફ કરો: સૌથી પહેલાં, કરડેલા ભાગને વહેતા પાણી અને સાબુથી ઓછામાં ઓછા 10 થી 15 મિનિટ સુધી ધોઈ લો. આ કરવાથી ઘામાં રહેલા વાયરસ અને જીવાણુઓ દૂર થાય છે.
આ પણ વાંચો: રિક્ષામાં બાળક સાથે શ્વાનને પૂરી આનંદમાણનારા શ્વાનના માલિકની ધરપકડ
એન્ટિસેપ્ટિક લગાવો: ઘાને ધોયા પછી, તેના પર કોઈ એન્ટિસેપ્ટિક ક્રીમ અથવા સ્પ્રે લગાવો.
ડોક્ટર પાસે જાઓ: આ પ્રાથમિક સારવાર પછી, તરત જ ડોક્ટર પાસે જાઓ. ડોક્ટર ઘાની ગંભીરતા તપાસશે અને જરૂર મુજબ સારવાર આપશે.
હડકવાના ઇન્જેક્શન: હડકવાના ઇન્જેક્શનનો કોર્સ ડોક્ટરની સૂચના મુજબ પૂરો કરવો જોઈએ, ભલે તે શ્વાન પાલતુ હોય કે રખડતો. ઘણીવાર પાલતુ શ્વાનને પણ રસી આપી ન હોય અથવા તે જૂની થઈ ગઈ હોય શકે છે.