વડોદરામાં મગરે કરેલા હુમલામાં કેટલું વળતર ચૂકવાયું? જાણો | મુંબઈ સમાચાર
વડોદરા

વડોદરામાં મગરે કરેલા હુમલામાં કેટલું વળતર ચૂકવાયું? જાણો

વડોદરાઃ શહેરની વિશ્વામિત્રી ઉપરાંત ઓરસંગ અને ઢાઢર નદીમાં મોટી સંખ્યામાં મગરો રહે છે. આ નદીઓમાં પાણી છોડવામાં આવતા મગરો શહેરના રોડ રસ્તા પર આંટા ફેરા મારતા પણ જોવા મળે છે. તાજેતરમાં ગણેશ વિસર્જન માટે બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડમાંથી પણ મગર પકડાયો હતો.

મગરના હુમલાના બનાવ બાબતે તપાસ કરતાં એક વર્ષમાં મગરના હુમલામાં કુલ 8 લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યુ હતું. આ મામલે રાજ્ય સરકારે મૃતકોના પરિવારને રૂ.65 લાખનું વળતર ચૂકવ્યું હતું.

આપણ વાંચો: જેરુસલેમ પર થયેલા આતંકવાદી હુમલાની પીએમ મોદીએ કરી નિંદા, એક્સ પર કરી આવી પોસ્ટ

સહાયની રકમ વધારવામાં આવી

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જ્યારે જંગલી પ્રાણી દ્વારા હુમલો કરીને માનવને ઈજા પહોંચાડે અથવા તેનું મૃત્યુ થાય ત્યારે સરકાર દ્વારા આર્થિક સહાય ચૂકવવામાં આવે છે. અગાઉ મૃતકના પરિવારને 5 લાખની સહાય આપવામાં આવતી હતી, જેમાં તાજેતરમાં વધારો કરવામાં આવ્યો હતો.

વિશ્વામત્રી નદીમાં રહેતા મગરોનો આ છે મુખ્ય ખોરાક

ઉલ્લેખનીય છે કે, શહેરમાં વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરનો મુખ્ય ખોરાક માછલી, પક્ષી અને સુવર છે. આ ઉપરાંત નદીમાં ઘણી હોટલો હજી પણ નોનવેજનો કચરો ફેંકતા હોવાથી તે પણ મગરનો ખોરાક છે. જ્યારે જિલ્લામાં ઓરસંગ, ઢાઢર અને વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરો નદી કિનારે પાણી પીવા માટે આવતા કૂતરા, સુવર અને પશુનો પણ શિકાર કરે છે.

મગર ક્યારે હુમલો કરે છે?

સૂત્રોએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે મગર માનવ પર હુમલો કરતા નથી પરંતુ તેમને જ્યારે એવુ જણાય કે, તે અથવા તો તેના ઇંડા સુરક્ષિત નથી ત્યારે તે હુમલો કરે છે. જિલ્લામાં નદી કિનારા પર મગરથી સાવચેત રહો તેવા બોર્ડ મુકવામાં આવ્યાં હોવા છતાં લોકો નદીમાં જાય છે. જેમાં મગર દ્વારા હુમલાના બનાવ બને છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button