વડોદરા

વડોદરામાં લિવ-ઈનમાં રહેતી યુવતીએ પ્રેમીનું ગળું દબાવીને કરી નાંખી હત્યા

વડોદરાઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પ્રતાપનગર વિસ્તારમાં આવેલી રેલવે કોલોનીમાં થોડા દિવસો પહેલા મળી આવેલા મૃતદેહની ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. લિવ-ઈનમાં રહેતી યુવતીએ પ્રેમીનું ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. મકરપુરા પોલીસે યુવતીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

શું છે સમગ્ર મામલો

મળતી વિગત પ્રમાણે, છોટા ઉદેપુર જિલ્લાના રોઝકુવા ગામના 23 વર્ષીય યુવક અને રેલવેમાં નોકરી કરતી યુવતી સાથે ત્રણ વર્ષથી પ્રેમસંબંધ હતો. આ સંબંધન કારણે મે, 2025માં બંનેની સગાઈ થઈ હતી અને માર્ચ 2026માં લગ્ન નક્કી થયા હતા. યુવતી વડોદરાના પ્રતાપનગર રેલવે કોલોનીમાં રહેતી હોવાથી યુવક પણ તેની સાથે લિવ ઈનમાં રહેવા આવી ગયો હતો.

બંને ઘણા સમયથી સાથે રહેતા હતા. યુવકને યુવતીના અન્ય કોઈ યુવક સાથે સંબંધ હોવાની શંકા હતી. જેને લઈ વારંવાર ઝઘડા થતા હતા. 29 ડિસેમ્બર, 2025ના રોજ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેથી યુવતીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

યુવકે આ બાબત તેના પિતાને ફોન કરીને જણાવી હતી. રાત્રે તે ઉંઘી ગયો તે સમયે યુવતીએ તેના દુપટ્ટાથી ગળું દબાવીને હત્યા કરી નાંખી હતી. હત્યા બાદ યુવતીએ કંઈ બન્યું જ ન હોય તેમ વર્તન કર્યું હતું. તેણે પાડોશીઓને બોલાવીને કહ્યું કે, તે ઊંઘમાંથી ઉઠતો નથી. જેથી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.

પોસ્ટમોર્ટમમાં યુવકના ગળામાં નિશાન મળી આવ્યા હતા. જેના આધારે ગળાફાંસાનું કારણે સામે આવ્યું હતું. મૃતકના પિતાએ યુવતી પર પહેલાથી જ શંકા વ્યક્ત કરી હતી. પોલીસે તપાસ હાથ ધરતાં યુવતી ત્રણ દિવસ સુધી ગોળ ગોળ જવાબ આપતી રહી હતી. આખરે પોલીસે કડક પૂછપરછ કરી ત્યારે યુવતીએ હત્યાની કબૂલાત કરી હતી. તેણે કહ્યું કે, પોતાના દુપટ્ટાથી જ પ્રેમીનું ગળું દબાવીને હત્યા કરી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો…પુણે બ્લાસ્ટ કેસના આરોપીની ગોળી મારી હત્યા: બે પકડાયા

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button