વડોદરા પોલીસે હેરિયર કારની ચોરી કરતો રીઢો ગુનેગાર ઝડપ્યો, આવી હતી મોડસ ઓપરેન્ડી

વડોદરાઃ પોલીસને વધુ એક મોટી સફળતા મળી હતી. વડોદરા ક્રાઈમબ્રાન્ચે લક્ઝયુરિયસ કાર ને નિશાન બનાવી સ્માર્ટ ડિવાઇસ થી અનલોક કરી ચોરી કરતા આંતરરાજ્ય રીઢા આરોપી રતન મીણાને ધરપકડ કરી હતી. તેણે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં 70થી વધુ કાર ચોરી કરી હતી.
માત્ર એક થી બે લાખમાં જ વેચી દેતો હતો કાર
આ ચોરની ખાસિયત એ હતી કે તે મોટાભાગે ટાટા હેરિયર કારની જ ચોરી કરતો હતો. ધોરણ 8 પાસ રતનસિંહ (ઉ.વ.50) મોજશોખ પૂરા કરવા માટે મોંઘી કાર ચોરી કરતો હતો અને તેને 1 થી 2 લાખ રૂપિયામાં વેચી દેતો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે તે શા માટે ટાટા હેરિયર કારને જ નિશાન બનાવતો હતો.
આપણ વાંચો: USના સ્ટોરમાંથી ચોરી કરતાં ઝડપાયેલી ગુજરાતી યુવતીનો વીડિયો વાયરલ, ડૂસકાં ભરતાં કહ્યું…
ચોરી માટે જરૂરી સાધનો સાથે જ રાખતો હતો
રતનસિંહને ખબર હતી કે ટાટા હેરિયર કારની ડિકી ઘણી મોટી હોય છે અને તેનો ઉપયોગ મોટા પ્રમાણમાં દારૂ અને અન્ય ગેરકાયદેસર વસ્તુઓની હેરાફેરી માટે થાય છે. આ જ કારણોસર, આ કારની માંગ ગુનેગારોમાં વધારે હતી. રતનસિંહ હંમેશાં પોતાની સાથે ચોરી માટે જરૂરી સાધનો જેવાં કે માસ્ટર કી, ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, વાયર કટર અને ડિસમિસ રાખતો હતો.
તે શહેરોમાં ફરીને ટાટા હેરિયર કારની રેકી કરતો અને તક મળતા જ તેને ચોરી કરી રાજસ્થાન મોકલી દેતો હતો. આમ, હાઈટેક સુરક્ષા હોવા છતાં, તે આ કારને સરળતાથી ચોરી કરી શકતો હતો.
છેલ્લા દોઢ વર્ષમાં રતનસિંહે વડોદરા, હાલોલ અને સુરત જેવા શહેરોમાંથી 8 ટાટા હેરિયર કારની ચોરી કરી હતી. તેની ધરપકડથી અનેક ગુનાઓ ઉકેલાયા છે.
આપણ વાંચો: લાલ કિલ્લામાં ચોરીનો ચોંકાવનારો કિસ્સો; આ રીતે ગઠિયો સેરવી ગયો સોના-હીરાનો એક કરોડનો કળશ…
રતનસિંહ મીણા રેકી કર્યા બાદ કાર પાસે જઈ પહેલા તો માસ્ટર કીની મદદથી દરવાજાનું લોક તોડી નાખતો અને પછી સ્ટીયરિંગ નીચે આવેલા એક સોકેટમાં ઇલેક્ટ્રોનિક ડિવાઇસ કનેક્ટ કરી કારને લોક મોડમાંથી અનલોક કરતો હતો. આ દરમિયાન સાયરન ના વાગે એ માટે વાયર કટરની મદદથી કારના સાયરનના વાયર કાપી નાખતો હતો.
ત્યારબાદ કાર ચાલુ કરી સેલ્ફ ડ્રાઈવ કરીને રાજસ્થાન લઈ જતો અને કાર વેચીને ફરાર થઈ જતો હતો. ઘણી વખત પોલીસથી બચવા ચકમો આપવા કારની નંબર પ્લેટ પણ ચેન્જ કરી દેતો હતો. આરોપી રતનસિંહે અત્યાર સુધીમાં ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને હરિયાણામાં કાર ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો.
2015માં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 13 વાહન ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો ત્યારે પણ રતન મીણા ઝડપાયો હતો. થોડા દિવસ પહેલા જ વડોદરા પોલીસે મધ્ય પ્રદેશની ‘ચામાચીડિયા ગેંગ’ના ત્રણ સાગરિતોને ઝડપી પાડ્યા હતા.
જ્યારે ટોળકીના અન્ય ચાર ઇસમોને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ ગેંગના સભ્યોએ તેમની છાતીના ભાગે ટેટૂ કોતરાવ્યું હતું, જે તેમની ઓળખ હતી. પોલીસે તેઓ છાતી પર જ કેમ ટેટૂ ચિતરાવતા હતા તેની પણ તપાસ હાથ ધરી હતી. પોલીસ પણ આરોપીની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી જાણીને દંગ રહી ગઈ હતી.