વડોદરામાં 31 સ્મશાનો 7 જુલાઇથી ખાનગી હસ્તક, કોંગ્રેસનો ઉગ્ર વિરોધ…

વડોદરા: વડોદરા કોર્પોરેશનના શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 31 સ્મશાનોનુ સંચાલન અને નિભાવણી આગામી 7 જુલાઇ, 2025થી ખાનગી સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. જો કે અંતિમ સંસ્કાર નિઃશુલ્ક કરવામાં આવશે.બીજી તરફ કોંગ્રેસનો મોરચો સ્મશાનોના કરાયેલા ખાનગીકરણના વિરોધ સાથે મ્યુ. કમિશનરને આવેદનપત્ર આપવા માટે કોર્પોરેશન કચેરી ખાતે આવ્યો હતો પરંતુ, કમિશનર હાજર મળી ન આવતા ધરણાં પર બેસી રામધૂન બોલાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા કોર્પોરેશન દ્વારા પાલિકા હસ્તકના 31 સ્મશાનો છે. અત્યાર સુધી સ્વૈચ્છિક સંસ્થાઓ પાલિકા પાસે એક પણ રૂપિયો લીધા વગર સંચાલન કરતી આવી છે. પાલિકા દ્વારા લાકડા આપવામાં આવે છે પરંતુ, હવે કોર્પોરેશન દ્વારા સ્મશાનોના સુચારું સંચાલનના દાવા સાથે તમામ સ્મશાનો ખાનગી સંસ્થાઓને 7 જુલાઇથી સોંપી રહી છે. જેનો કોંગ્રેસ અને સામાજિક કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
કોર્પોરેશનમાંથી મળેલી માહિતી પ્રમાણે માધુરી એજ્યુકેશન ટ્રસ્ટને ઉત્તર ઝોનના 7 સ્મશાન, આધાર ફાઉન્ડેશનને પૂર્વ ઝોનના 2 સ્મશાન અને જય અંબે સંસ્થાને પશ્ચિમ તથા દક્ષિણ ઝોનના 9 સ્મશાનોનું સંચાલન અને નિભાવણી કરવાની કામગીરી સોંપવામાં આવી રહી છે. પાલિકાને આ ત્રણેય ખાનગી સંસ્થાઓને સ્મશાનોના સંચાલન અને નિભાવણી માટે વાર્ષિક રૂપિયા 10 કરોડનો ખર્ચ આવશે.
જોકે, શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી અને વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં સ્મશાનોના ખાનગી કરણના વિરોધમાં આજે મોરચો લઇ પાલિકા કચેરીમાં આવ્યા હતા અને સ્મશાનનોનું ખાનગી કરણ બંધ કરો એવા સુત્રોચ્ચાર કર્યા હતા. પોસ્ટરો, બેનરો સાથે પાલિકા કચેરી ખાતે આવેલા મોરચામાં કાઉન્સિલરો પુષ્પાબેન વાઘેલા, બાળુ સુર્વે, અગ્રણી ભીખાભાઇ રબારી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા અને મ્યુનિસિપલ કમિશનર હાજર ન હોવાથી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું.