વડોદરામાં સ્મશાનના ખાનગીકરણનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો…

વડોદરાઃ વડોદરા શહેરમાં સ્મશાનોના ખાનગીકરણ મુદ્દે ભારે વિવાદ સર્જાયા બાદ વડોદરા શહેર ભાજપ દ્વારા કારેલીબાગ કાર્યાલય ખાતે પ્રેસ યોજી સ્મશાનોના સંચાલનની પ્રક્રિયા અગાઉની માફક યથાવત રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપના આ નિર્ણયથી સ્મશાનમાં ખાનગીકરણના મનસ્વી નિર્ણય સામે સવાલો ઊભા થયા હતા.
સૂત્રોએ જણાવ્યું ક, ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શહેરમાં સ્મશાનના ખાનગીકરણને લઈ વિવાદ વેગ પકડી રહ્યો હતો. જેથી આ વિવાદથી બહાર નીકળવા તથા લોકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખી આગામી દિવસોમાં અગાઉ જે પ્રકારે સ્મશાનોનું સંચાલન થતું હતું તે પ્રકારે જ થશે. સ્મશાનોની સંખ્યા વધતા ટ્રસ્ટ સિવાયના સ્મશાનોમાં વ્યવસ્થા ઊભી કરવા કોર્પોરેશનને એક પ્રક્રિયા અનુસરવી પડે છે, અગાઉની સ્થિતિ મુજબ સ્મશાનોનું સંચાલન થાય તેવો આગ્રહ ભાજપ તરફથી રહ્યો છે અને રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્મશાનોના ખાનગીકરણ અંગે અગાઉ મળેલી ભાજપની સંકલન બેઠકમાં હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ઊંડી ચર્ચા કર્યા બાદ લીલીઝંડી આપી હતી. હવે સ્મશાનોના ખાનગીકરણનો નિર્ણય પરત ખેંચવાની નોબત આવતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. કોર્પોરેશન હસ્તકના 31 સ્મશાનો છે, સંસ્થાઓ કૉર્પોરેશન પાસે એક પણ રૂપિયો લીધા વગર સંચાલન કરતી હતી, પાલિકા દ્વારા લાકડા આપવામાં આવે છે, કોર્પોરેશન દ્વારા સ્મશાનોના સુચારું સંચાલનના દાવા સાથે તમામ સ્મશાનો ખાનગી સંસ્થાઓને સોંપતા વિરોધ થયો હતો, કોર્પોરેશને શહેરના તમામ 31 સ્મશાનોનું 10.43 કરોડના ખર્ચે આઉટસોર્સિંગ દ્વારા ત્રણ સંસ્થાને સંચાલન સોંપ્યું હતું.