વડોદરા કોર્પોરેશનની પોલ ખુલી: વરસાદ વિના 10 ફૂટનો ભૂવો પડ્યો, સ્થાનિકોએ શ્રીફળ વધેરી વિરોધ નોંધાવ્યો…

વડોદરાઃ શહેરમાં નૂતન વર્ષના ત્રીજા જ દિવસે મુજમહુડાથી અકોટા તરફ જતા મુખ્ય રસ્તા પર એક મોટો ભૂવો પડ્યો હતો, આખી ગાડી ગરકાવ થઈ જાય તેટલો ખાડો હતો. વિપક્ષ દ્વારા આ ભૂવા ફરતે પાલિકાએ આડાશ અને લીલો પરદો મારીને નિષ્ફળતા છુપાવી હોવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો.
મળતી વિગત પ્રમાણે, વોર્ડ નંબર 12માં આવતા અકોટા-મુજમહુડા માર્ગ પર આ ભૂવો પડ્યો હતો. 10 ફૂટ પહોળાઈ અને 5 થી 7 ફૂટ ઊંડા આ ભૂવાના કારણે વાહનવ્યવહાર તાત્કાલિક ધરોણે બંધ કરવામાં આવ્યો હતો. કોર્પોરેશન દ્વારા તાત્કાલિક બેરિકેડ લગાવી વાહન વ્યવહાર બંધ કરી દેવાયો હતો. જોકે, આ ભૂવાના કારણે સ્થાનિકોમાં રોષ ભરાયો હતો અને રસ્તા પર આવી ભ્રષ્ટાચાર સામે વિરોધ નોંધાવાના ભાગરૂપે નારિયેળ વધારી ભૂવાનું સ્વાગત કર્યું હતું.
સૂત્રોના કહેવા પ્રમાણે, આ વિસ્તારમાં વારંવાર ભૂવા પડવાની ઘટનાઓ સામાન્ય છે. આ ભૂવાના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા વણસી છે. સામ્રાજ્ય સોસાયટી પાસે પહેલાંથી જ સમારકામના કારણે એક તરફનો માર્ગ બંધ હતો, ત્યારે હવે નજીકમાં જ પ્રથમ એવન્યુ પાસે ભૂવો પડતાં સેલ પેટ્રોલ પંપથી નાયરા પેટ્રોલ પંપ તરફનો માર્ગ પણ બંધ થઈ ગયો હતો.
સૂત્રોના કહેવા પ્રમાણે, વર્ષ 2024માં આ માર્ગ પર 17 જેટલા ભૂવા પડ્યા હતા. સ્થાનિકોએ નારિયેળ વધેરીને ભૂવાનું સ્વાગત કર્યું હતું. લોકો સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને આ પરિસ્થિતિ માટે જવાબદાર ઠેરવ્યા હતા. આ સિવાય તાત્કાલિક ધોરણે આ ભૂવાના સમારકામની માંગ કરવામાં આવી હતી.
ગોરવા વિસ્તારમાં પણ વગર વરસાદે 10 ફૂટ ઊંડો ભૂવો પડવાની ઘટના સામે આવી હતી. આ ઉપરાંત, કારેલીબાગમાં પાણીની ટાંકી તરફ જવાના રસ્તા પર પણ એક મસમોટો ભૂવો પડ્યો હતો, જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં ઘણીવાર વરસાદ ન હોવા છતાં પણ રસ્તા પર ભૂવા પડતા હોય છે, જે તંત્રના પાપે અને નબળી ડ્રેનેજ લાઇનના કારણે થાય છે.



