વડોદરા કોર્પોરેશનના ઓડિટ રિપોર્ટમાં 116 કરોડનો હિસાબ ‘ગાયબ’

વડોદરાઃ વડોદરા કોર્પોરેશનના ઓડિટ વિભાગે રજૂ કરેલા ઓડિટ રિપોર્ટ સ્થાયી સમિતિમાં રજૂ કરવામાં આવ્યો હતો.. જેમાં અનેક ગરબડ સામે આવી હતી. ઓડિટ રિપોર્ટમાં 116 કરોડનો હિસાબ નહીં મળતા પ્રશાસનની ઊંઘ હરામ થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે ઓડિટ શાખા દ્વારા વર્ષ 2024-25 દરમ્યાન વોર્ડ તેમ જ ખાતાઓની આવક અને ખર્ચના બિલની તપાસણી કરવામાં આવી હતી. જેનો ઓડિટ રિપોર્ટ સ્થાયી સમિતિ સમક્ષ જાણ માટે રજૂ કરવામાં આવે છે.
અનિયમિતતા પ્રાથમિક તબક્કે જ સામે આવી હતી
વર્ષ દરમ્યાન કુલ 43,944 બિલ તપાસણી માટે આવ્યા હતા. બિલ પ્રિ-ઓડિટ થયા બાદ ચૂકવણાં માટે હિસાબી શાખા તરફ રવાના કરવામાં આવે છે. બિલની તપાસણી દરમિયાન જણાયેલી વિવિધ પ્રકારની કપાત, વહીવટી ક્ષતિ, અનિયમિતતા પ્રાથમિક તબક્કે જ ઓડિટ ખાતાને ધ્યાનમાં આવી હતી.
આ પણ વાંચો: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો વધુ એક ચોંકાવનારો નિર્ણય, સ્મશાન બાદ હવે ઢોર ડબા આઉટસોર્સિંગથી ચાલશે
મહાનગરપાલિકાના તમામ ખર્ચના બિલની પ્રિ-ઓડિટ પદ્ધતિથી તપાસણી કરવામાં આવે છે. તેના પરિણામસ્વરૂપે મુખ્ય ઓડિટ શાખા તેમ જ તમામ ઝોન ઓડિટ વિભાગ અને સ્ટોર ઓડિટ વિભાગ મારફતે કુલ રૂ. 7,64,56,162ની કપાત કરી બિલ માન્ય કરવામાં આવ્યા હતા.
ઉપરાંત, જમા તપાસણી વિભાગ દ્વારા આવકનું પોસ્ટ ઓડિટ કરી રૂ. 23,99,59,254ની રેવન્યુ રિકવરી કરવા માટે સબંધિત ખાતા તથા વોર્ડને જણાવ્યું હતું.