વડોદરા કોર્પોરેશનને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હેઠળ વિશેષ ગ્રાન્ટ મળશે, આ શરતોનું કરવું પડશે પાલન

વડોદરા: કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોને મૂડી રોકાણ માટે ખાસ સહાય (Special Assistance) આપવાની યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગ્રાન્ટ મેળવવા માટે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કેટલીક શરતોનું પાલન કરવું પડશે. આ અંગે ગુજરાતના શહેરી વિકાસ વિભાગે વડોદરા કોર્પોરેશનને જાણ કરી છે.
બે ભાગમાં વહેંચવામાં આવી છે યોજના
કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય અને હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા આ યોજનાની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ યોજનાને બે ભાગમાં વહેંચવામાં આવી છે. જેમાં પ્રથમ ભાગમાં શાસન, નાણા અને શહેરી આયોજનમાં સુધારા માટે ₹13,000 કરોડ ફાળવવામાં આવ્યા છે.
બીજા ભાગમાં ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ (EODB) સુધારા માટે ₹5,000 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ગ્રાન્ટ મેળવવા માટે, વડોદરા કોર્પોરેશને કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. જેનું પાલન કર્યા બાદ જ વડોદરા કોર્પોરેશન આ મોટી ગ્રાન્ટ મેળવી શકશે, જે શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
આપણ વાંચો: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો વધુ એક ચોંકાવનારો નિર્ણય, સ્મશાન બાદ હવે ઢોર ડબા આઉટસોર્સિંગથી ચાલશે
આ બાબતોનું કરવું પડશે પાલન
તેમજ સપ્ટેમ્બર 2025 સુધીમાં પાણી, ગટર અને વરસાદી પાણીના નિકાલ (Storm Drainage) ના નેટવર્કનો GIS આધારિત નકશો તૈયાર કરવાનો રહેશે. કોર્પોરેશનની તમામ સરકારી મિલકતોનો ડિજિટલ નકશો અને યાદી બનાવવાની રહેશે.
ઓગસ્ટના અંત સુધીમાં શહેરનું ડિજિટલ ટ્વીન મોડેલિંગ શરૂ કરવાનું રહેશે.એક યુનિક આઈડી સાથે નવું પ્રોપર્ટી ટેક્સ પોર્ટલ શરૂ કરવાનું રહેશે.
કોર્પોરેશને આવક વધારવા માટે પગલાં લેવા પડશે, જેમાં 10% આવક પ્રોપર્ટી ટેક્સ અને અન્ય માધ્યમોથી વધારવાનો લક્ષ્યાંક છે. આ અંગેનો વિગતવાર રિપોર્ટ પણ આપવાનો રહેશે. શહેરના ઐતિહાસિક સ્થળોને ફરી જીવંત કરવા પ્રયાસો કરવા અને સુરસાગર તળાવ આસપાસના પ્રોજેક્ટની વિગતો રાજ્ય સરકારને આપવાની રહેશે.
તેમજ થીમ આધારિત ગ્રીનફિલ્ડ શહેરો અને પડોશ (નેબરહુડ) સુધારવા માટે એક્શન પ્લાન તૈયાર કરવો પડશે. આ ઉપરાંત ‘સ્પોન્જ સિટી’ (વરસાદી પાણીનો સંગ્રહ કરતા શહેર) માટે રિપોર્ટ તૈયાર કરવો, અને શહેરમાં આવેલા હાલના કૂવાઓનો ‘વોટર બોડી કાયાકલ્પ પ્રોજેક્ટ’ હેઠળ જીર્ણોદ્ધાર કરવો પડશે. આ તમામ સુધારાઓ માટે કોર્પોરેશને રાજ્યના નોડલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવાની રહેશે.