Top Newsવડોદરા

‘1 વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરાવી દેજો, નહીં તો બોમ્બથી ઉડાવી દઈશું’: વડોદરામાં દોડધામ

વડોદરાઃ ગઈકાલે અમદાવાદની વિવિધ શાળાઓ બાદ આજે વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. સાવચેતીના ભાગરૂપે કલેક્ટર કચેરીને તાત્કાલિક અસરથી ખાલી કરાવાઈ છે. બોમ્બ-ડોગ સ્ક્વોડની ટીમોએ ચેકિંગ શરૂ હાથ ધર્યું છે. ઈ-મેલમાં લખવામાં આવ્યું છે કે, ‘1 વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરાવી દેજો, નહીં તો બોમ્બથી ઉડાવી દઈશું.’

આ ગંભીર ધમકીને પગલે અકોટા પોલીસ, એસ.ઓ.જી., વડોદરા ક્રાઈમ બ્રાન્ચ તેમજ બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. તેમજ અરજદારોના પ્રવેશ પર રોક લગાવી દેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, બુધવારે સવારે અમદાવાદની જાણીતી સ્કૂલોને બોમ્બ ઉડાડી દેવાના ધમકીભર્યા ઈમેલ મળતા અમુક સ્કૂલોને ખાલી કરવાની ફરજ પડી હતી. બપોર બાદ આવા ઈમેલ્સ ગાંધીનગરની સ્કૂલોને પણ મળ્યા હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી હતી. શાળાઓને ધમકીભર્યા ઈમેલ્સ મળતા પોલીસ સતત સક્રિય રહી હતી અને બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ અને એસઓસજી ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સલામતી માટેના તમામ પગલા સ્કૂલ સંચાલકોએ લીધા હતા. જોકે ધમકીના સમાચારો વહેતા થતા વાલીઓમાં ફફડાટ ફેલાયો હતો.

આ ઈમેલ્સમાં ગૃહ પ્રધાન અમિત શાહ અને સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર ઈમેલમાં લખવામાં આવ્યું હતું કે હરદીપસિંહ નિજ્જરની હત્યાનાં 900 દિવસ પૂરા થયા અને માટે હવે અમિત શાહ અને લોરેન્સ બિન્શોઇએ તેનું પરિણામ ભોગવવું પડશે તેવો આ ધમકીમાં ઉલ્લેખ છે. ઉલ્લેખનીય છે કે નિજ્જર ખાલિસ્તાની સમર્થક હતો જેની હત્યા 2023માં થઇ હતી.

દરમિયાન સવારે અમદાવાદની સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેમાં શહેરની જાણીતી એવી મહારાજા, અગ્રસેન, ઝાયડસ, ઝેબર, ડીએવી ઈન્ટરનેશનલ, ડિવાઈન સ્કૂલ સહિતની સ્કૂલોનો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં કલોલની આવિષ્કાર, ખોરજની જેમ્સ એન્ડ જેનેસિસ સ્કૂલને બપોરે 1.11 વાગ્યા આસપાસ ધમકી મળી હતી.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કુલ 19 સ્કૂલને ધમકી મળી હતી. જોકે કોઈ વાંધાજનક વસ્તુ કે સામગ્રી મળી ન હતી. અમુક સ્કૂલોએ રજા જાહેર કરી હતી જ્યારે ઘણી સ્કૂલોએ વાલીઓને કોઈપણ પ્રકારનો ડર નથી અને બાળકો સુરક્ષિત છે, તેવા સંદેશાઓ પાઠવ્યા હતા. સ્કૂલોમાં આવેલા ઈમેલ્સના પગલે ગાંધીનગર ખાતે સચિવાલયની પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી હતી.

આ પણ વાંચો…અમદાવાદની કઈ 4 હાઈ-ફાઈ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ થઈ દોડતી ?

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button