પ્લાસ્ટિક મુક્તિ માટે વડોદરા કોર્પોરેશનનો નવતર પ્રયોગઃ 5 રૂપિયામાં મળશે કાપડની થેલી!

વડોદરા: મહાનગર પાલિકા દ્વારા શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે એક નવી પહેલ શરુ કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ ખરીદી કરવા સમયે થેલી ઘરે ભૂલી ગયા હશે, તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે વડોદરા કોર્પોરેશન દ્વારા ખાસ “ક્લોથ બેગ વેન્ડિંગ મશીન” મૂકવામાં આવ્યા છે.
આ મશીન કેવી રીતે કામ કરે છે?
આ મશીનમાંથી કાપડની થેલી મેળવવા માટે લોકોએ ફક્ત 5 રૂપિયાનો સિક્કો નાખવાનો રહેશે. જો કે તેની સાથે જ ઓનલાઈન પેમેન્ટનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે. એકવાર કોઈ વ્યક્તિ 5 રૂપિયા ચૂકવશે, એટલે મશીનમાંથી એક કાપડની થેલી બહાર આવશે. આ થેલી એટલી મજબૂત છે કે તેમાં લગભગ એક કિલો જેટલો સામાન સરળતાથી સમાઈ શકે છે.
પ્રોજેક્ટની વિગતો
મનપા દ્વારા હાલમાં આ પ્રોજેક્ટની શરૂઆત પ્રાયોગિક ધોરણે ખંડેરાવ માર્કેટથી કરવામાં આવી છે. જો આ પ્રયોગ સફળ થશે, તો શહેરના 100 જેટલા સ્થળે આવા મશીનો મુકવાનું વડોદરા મનપાનું આયોજન છે. શરૂઆતમાં મનપા દ્વારા કુલ 9 મશીન ખરીદવામાં આવ્યા છે, જેની કુલ કિંમત રૂ. 4.41 લાખ છે. દરેક મશીનની કિંમત 49,000 રૂપિયા છે.
હાલ આ મશીનોની જાળવણી અને તેમાં થેલીઓ ભરવાની જવાબદારી મશીન પુરા પાડનારી એજન્સીને સોંપવામાં આવી છે, અને આ માટે ત્રણ વર્ષનો કોન્ટ્રાક્ટ પણ કરવામાં આવ્યો છે. આ સાથે જ મશીનોને સરકારી પોર્ટલ ‘પ્રતિક્ષા’ સાથે પણ જોડવામાં આવ્યા છે કે જેનાથી વેચાણનો રેકોર્ડ રાખવામાં સરળતા રહે.