વડોદરા

બુલેટ ટ્રેનનો ધમધમાટ: વડોદરાના જેતલપુર બ્રિજ/ગરનાળા પર 15 દિવસ માટે અવરજવર બંધ, જાણો વૈકલ્પિક રૂટ

વડોદરાઃ શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત જેલતપુર બ્રિજ અને ગરનાળુ બંધ કરવામાં આવ્યું છે. વડોદરાના રેલ્વે સ્ટેશનથી પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડવા માટે અલકાપુરી તેમજ જેતલપુર ગરનાળા મુખ્ય છે. જે પૈકી જેતલપુર ગરનાળા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલતી હોવાથી 15 દિવસ માટે અહીંથી અવરજવર બંધ કરવામાં આવી છે.

આ માટે બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં રેસકોર્સ ચકલી સર્કલથી સયાજી હોસ્પિટલ તરફ આવવા માટે તેમજ જવા માટે ઉપયોગમાં લેવામાં આવતા બ્રિજ તેમજ અંડરપાસમાંથી વાહન વ્યવહાર બંધ રહેશે. આ માટે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વાહન ચાલકોએ અલકાપુરી ગરનાળા તેમજ અકોટા બ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે.

પ્રિયલક્ષ્મી ગરનાળા રેલવે અંડરબ્રિજ અને જેતલપુર રેલવે ઓવરબ્રિજ પરના કામોને લીધે વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ અપનાવવા સૂચના આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, વડોદરા રેલવે સ્ટેશનથી પંડ્યા બ્રિજ વચ્ચે આવેલા પ્રિયલક્ષ્મી ગરનાળા રેલવે અંડરબ્રિજની આસપાસ અને ગરનાળાના ઉપરના ભાગે સિવિલ વર્ક ચાલુ છે.

અગાઉ 31 ઓક્ટોબર 2025 સુધીનું ડાયવર્ઝન જાહેર કરાયું હતું, પરંતુ કામગીરી ચાલુ રહેતાં પ્રોજેક્ટ મેનેજરની સૂચના મુજબ આ અંડરબ્રિજને વધુ સમય માટે તમામ વાહનો માટે બંધ રાખવામાં આવશે. પોલીસ કમિશનરે 15 નવેમ્બર 2025થી 31 ઓક્ટોબર 2026 સુધી અથવા કામ પૂર્ણ થાય ત્યાં સુધી ડાયવર્ઝન જાહેર કર્યું છે. પ્રોજેક્ટના જ ભાગરૂપે જેતલપુર (સ્વામી વિવેકાનંદ) રેલવે ઓવરબ્રિજ ઉપર ગર્ડર લોન્ચિંગનું કામ હાથ ધરાશે. આ કામ દરમિયાન જેતલપુર ઓવરબ્રિજ તેમજ નીચેનો રેલવે અંડરપાસ તમામ વાહનો માટે બંધ રહેશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button