શૈલેશ સોટ્ટાને પોતાની સરકાર સામે શું વાંધો? મુખ્ય પ્રધાનને લખ્યો પત્ર…

(અમારા પ્રતિનિધિ તરફથી)
વડોદરા: ગુજરાતના વહીવટી તંત્રમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો સંઘર્ષ હવે ખુલ્લેઆમ સપાટી પર આવ્યો છે. વડોદરા જિલ્લાના ભાજપના પાંચ ધારાસભ્યો—શૈલેષ મહેતા (સોટ્ટા), કેતન ઈમાનદાર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અક્ષય પટેલ અને ચૈતન્યસિંહ ઝાલાએ સંયુક્ત સહી સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને તંત્રના વહીવટ સામે ગંભીર આક્ષેપો કર્યા હતાં.
પત્રમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે વહીવટી તંત્રનો વહીવટ ખોરંભે પડ્યો છે અને અધિકારીઓની મનસ્વીતાને કારણે સરકારની છબી ખરડાઈ રહી છે.
આપણ વાચો: કૃત્રિમ અને નકલી પનીરના વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે: અજિત પવાર
ધારાસભ્યોએ પત્રમાં આક્રોશ વ્યક્ત કરતા લખ્યું હતું કે, કલેક્ટર, ડીડીઓ અને પોલીસ કમિશનર જેવા ઉચ્ચ અધિકારીઓ એસી ઓફિસોમાં બેસીને માત્ર વીડિયો કોન્ફરન્સ દ્વારા જમીની હકીકત જાણ્યા વગર સરકાર સામે ખોટું ‘ગુલાબી ચિત્ર’ રજૂ કરે છે. સામાન્ય માણસ માટે સરકારી કચેરીમાં કામ કરાવવું એ હવે યુદ્ધ લડવા સમાન બની ગયું છે.

અધિકારીઓ પોતાની જાતને જનપ્રતિનિધિઓ અને પ્રજાથી પણ ઉપર સમજીને અંધાધૂંધ વહીવટ ચલાવી રહ્યા છે, જેનાથી સામાન્ય જનતામાં સરકાર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.
આપણ વાચો: મંત્રાલયમાં સુરક્ષા અને પારદર્શિતા માટે સરકારે લીધો નિર્ણય, FRS સિસ્ટમ કરી લાગુ
સૌથી ચોંકાવનારો આક્ષેપ એ છે કે, ધારાસભ્યો દ્વારા સૂચવવામાં આવેલા કામો અધિકારીઓ કરતા નથી, ઉલટું જ્યારે કોઈ નાગરિક ધારાસભ્યની ભલામણ લઈને જાય ત્યારે અધિકારીઓ તેને એવું કહીને ધમકાવે છે કે ‘તમે ધારાસભ્યની મદદ કેમ માંગી?’.
આ પ્રકારની ખરાબ માનસિકતા ધરાવતા અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની માંગ ધારાસભ્યોએ કરી હતી. અગાઉ મૌખિક રજૂઆતો કરવા છતાં સ્થિતિ ન સુધરતા હવે લેખિતમાં વિનંતી કરવામાં આવી હતી કે જનપ્રતિનિધિઓએ સૂચવેલા લોકહિતના કામોને પ્રાધાન્ય આપવામાં આવે.



