વડોદરામાં ભરવાડ સમાજના બે જૂથ વચ્ચે હિંસક અથડામણઃ લાકડીઓ ઉછળી…

જૂના કૌટુંબિક ઝઘડામાં મારામારીનો વીડિયો વાયરલ, પોલીસે 6 જણ સામે ગુનો નોંધ્યો…
વડોદરા: શહેરના સોમાતળાવ બ્રિજ ઉતરતા તરસાલી તરફ જવાના જાહેર રોડ પર શનિવારે સવારે ભરવાડ સમાજના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. જૂના કૌટુંબિક ઝઘડાને લઈને થયેલી મારામારીમાં લોકોએ લાકડીઓ અને છુટા હાથની મારામારી કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ એફઆઈઆરની વિગતો અનુસાર ત્રીજા જાન્યુઆરીના શનિવારે સવારે ૧૦:૩૦ વાગ્યાની આસપાસ સોમાતળાવ બ્રિજ પાસે આવેલી લારીઓ નજીક દંતેશ્વર વિસ્તારના રહેવાસી એવા ભરવાડ જ્ઞાતિના બે પક્ષો આમને-સામને આવી ગયા હતા. એક પક્ષના લાલાભાઈ ભોપાભાઈ ભરવાડ અને સામા પક્ષે કવાભાઈ વાહાભાઈ, ભાથુભાઈ, દેહુરભાઈ, રાકેશભાઈ અને ભરતભાઈ (તમામ રહે. સંતોષવાડી, દંતેશ્વર) વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં વાત વધુ ઉગ્ર બની ગઈ હતી અને બંને પક્ષોએ લાકડીઓ વડે જાહેરમાં મારામારી શરૂ કરી દીધી હતી, જેના કારણે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો.

આ હિંસક હુમલામાં લાલાભાઈ ભરવાડને માથાના ભાગે ગંભીર ઈજાઓ અને શરીરે મૂંઢ માર વાગ્યો હતો. તેઓને તાત્કાલિક મંગલમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ દ્વારા મોકલવામાં આવેલી લેખિત વર્ધીના આધારે પોલીસે તપાસ આદરી દીધી હતી. દરમિયાનમાં, આ ઝઘડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જાહેરનામાના ભંગ બદલ અને જાહેર શાંતિ ડહોળવા બદલ પોલીસ સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો…વડોદરાના પોલીસ કમિશનર સહિત 14 IPS અધિકારીને અપાયાં પ્રમોશન, કોને ક્યા ગ્રેડમાં મૂકાયા ?
વડોદરા પોલીસે આ મામલે તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ની કલમ ૧૮૯(૨), ૧૯૦, ૧૯૧(૨), ૧૯૪(૨), ૧૧૫(૨), ૧૧૮(૧), ૫૪ તથા જી.પી. એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસે બાતમીદારો અને સ્થાનિક લોકોના નિવેદનો નોંધીને તમામ છ આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરી છે.



