વડોદરા અકસ્માતનું ડેનિશ ફિલ્મ સાથે શું કનેક્શન છે? પોલીસને આરોપીના ઘરેથી મળ્યું પોસ્ટર…

વડોદરા: ગત ગુરુવારે રાત્રે વડોદરામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એમએસ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરતા 23 વર્ષીય વિદ્યાર્થી રક્ષિત ચૌરસિયએ પુરપાટ વેગે કાર ચાલવીને ત્રણ વાહનોને અડફેટે લીધા (Vadodara Accident) હતાં, આ અકસ્માતમાં એક 35 વર્ષીય મહિલાનું મોત થયું અને સાત અન્ય ઘાયલ થયા હતાં. અકસ્માત સમયનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં રક્ષિત કંઇક બોલતો સંભળાય છે. હવે આરોપી રક્ષિત અને એક ડેનિશ ફિલ્મ વચ્ચેના કનેક્શનનો અહેવાલ પ્રકાશમાં આવ્યો છે.
Also read: વડોદરામાં નશાની હાલતમાં એકનો ભોગ લેનારા યુવકની ધરપકડ, Video જોઈ હચમચી જશો
વિડીયોમાં જોવા મળે છે કે અકસ્માત બાદ રક્ષિત કારની બહાર નીકળે છે, તે દારૂ પીધેલી હાલતમાં જણાય છે. લોકો તેને પકડવાની કોશિશ કરે છે ત્યારે રક્ષિત “અનધર રાઉન્ડ”, “નિકિતા” અને “ઓમ નમઃ શિવાય”ની બુમો માટે છે. આ શબ્દોના કનેક્શન અંગે ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. ઘણા લોકો અટકળો લગાવી રહ્યા છે કે “અનધર રાઉન્ડ” (Another round)નો અર્થ દારૂનો વધુ એક ગ્લાસ હતો! જ્યારે તેના ઘરે તપાસ કરવામાં આવી ત્યારે એક અલગ પ્રકારની જ કડી મળી આવી.
અહેવાલો અનુસાર, પોલીસને વડોદરામાં રક્ષિતના ભાડાના એપાર્ટમેન્ટમાંથી એક ફિલ્મનું પોસ્ટર મળ્યું છે. પોલીસને ડેનિશ ફિલ્મ ‘ડ્રુક’ (Druk)નું પોસ્ટર મળી આવ્યું છે, આ ફિલ્મનું અંગ્રેજી ટાઈટલ ‘અનધર રાઉન્ડ’ છે. અનધર રાઉન્ડને બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ માટે ઓસ્કાર મળ્યો હતો.
શું છે ફિલ્મની વાર્તા?
થોમસ વિન્ટરબર્ગ દ્વારા દિગ્દર્શિત બ્લેક કોમેડી ડ્રામા, અનધર રાઉન્ડ, ચાર શિક્ષકોની વાર્તા છે, જેઓ પ્રેરણાહીન વિદ્યાર્થીઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. તેઓ નોર્વેજીયન મનોચિકિત્સકના કાર્યથી પ્રેરિત એક સિદ્ધાંત પર પહોંચે છે કે મનુષ્યો લોહીમાં આલ્કોહોલની ઉણપ સાથે જન્મે છે. શિક્ષકો તારણ કાઢે છે કે લોહીમાં આલ્કોહોલનું સ્તર થોડું વધારે રાખવાથી ફાયદો થઈ શકે છે. ફિલ્મમાં બતાવવામાં આવે છે કે તેઓ દિવસભર થોડી માત્રામાં દારૂ પીવાનું શરૂ કરે છે અને સારા પરિણામો મળે. પરંતુ સમય જતાં, દારૂ તેમના જીવન પર પ્રતિકૂળ અસર કરે છે. આખરે, તેમાંથી એકનું મૃત્યુ થાય છે.
ફિલ્મ સાથે હોઈ શકે છે કનેક્શન?
પોલીસને રક્ષિતના ઘરે ફિલ્મનું પોસ્ટર મળી આવ્યું છે, જેને કારણે એવી અટકળો વહેતી થઇ છે કે જ્યારે તે “અનધર રાઉન્ડ” બૂમ પાડતો હતો ત્યારે આ ફિલ્મનો ઉલ્લેખ કરી રહ્યો હતો. રક્ષિત ચાર લોકોના એક ગ્રુપનો ભાગ હતો. આ ગ્રુપમાં રક્ષિતના મિત્ર પ્રાંશુનો સમાવેશ થાય છે, જે અકસ્માત સમયે તેની સાથે કારમાં હતો અને હવે ફરાર છે. બંને અકસ્માત પહેલા સુરેશના ઘરે ગયા હતા. નિકિતા નામની છોકરી પણ આ ગ્રુપનો ભાગ છે.
એવી અટકળો છે કે “અનધર રાઉન્ડ” ફિલ્મની જેમ આ ચાર લોકો પણ દારૂ પીવાનો પ્રયોગ કરી રહ્યા હતાં. જોકે આ વાતની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
Also read :વડોદરા અકસ્માત કેસના આરોપીએ ડ્રગ્સનું કર્યું હતું સેવન, જાણો બીજું શું છે લેટેસ્ટ અપડેટ…
ફિલ્મમાં, ચાર મિત્રોએ દારૂ પીવાનો પ્રયોગ શરૂ કરતા પહેલા કેટલાક નિયમો નક્કી કર્યા હતા. તેમાંથી એક એ હતો કે તેઓ દારૂ પીને વાહન ચલાવશે નહીં. રક્ષિતે દાવો કર્યો છે કે અકસ્માત સમયે તે નશામાં ન હતો, ત્યારે રેપીડ ટેસ્ટમાં પુષ્ટિ થઇ છે કે તે નશામાં હતો. વિગતવાર ટેસ્ટ રીપોર્ટની રાહ જોવાઈ રહી છે.