વડોદરામાં ટ્રમ્પના પોસ્ટર મુદ્દે હોબાળો: ટેરિફ વોરના વિવાદ વચ્ચે ‘Lion is Back’ પોસ્ટરથી મામલો ગરમાયો

વડોદરા: પહલગામ હુમલા બાદ પહેલા સીઝફાયર અંગેના નિવેદનો અને હવે ટેરિફ વોરના કારણે ચર્ચામાં રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ગુજરાતમાં વિરોધ થયો હતો. વડોદરામાં ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કરતું એક પોસ્ટર વિરોધ બાદ હટાવી દેવામાં આવ્યું હતું. આ પોસ્ટર વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલી એક સોસાયટીના એક આલિશાન ઘર પર લગાવવામાં આવ્યું હતું.
અમેરિકા અત્યારે દુનિયાભરના દેશો સામે ટેરિફ વોર ચલાવી રહ્યું છે તેવા જ સમયે આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. લોકોનું કહેવું છે કે ટ્રમ્પે ભારત પર એક અવ્યવહારુ ટેરિફ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૦માં ગુજરાતમાં ડોનાલ્ડ ટ્રમ્પનું ભવ્ય સ્વાગત થયું હતું. ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ થયો હતો. જેમાં તેઓ પણ હાજર રહ્યા હતા.
લાયન ઇઝ બેક
વડોદરાના વેસ્ટ ઝોનમાં નગરપાલિકાના વોર્ડ કાર્યાલય પાસે સરદાર સોસાયટી છે. આ સોસાયટીમાં રસ્તાની બાજુમાં એક ઘર પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કરતું એક પોસ્ટર લગાવવામાં આવ્યું હતું. પોસ્ટર પર ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ ‘લાયન ઈઝ બેક’ જેવા શબ્દો સાથે કરવામાં આવ્યા હતા. એક સામાજિક કાર્યકર્તાના ધ્યાનમાં આવતા લોકોએ આ પોસ્ટર પર વાંધો ઉઠાવ્યો હતો ત્યાર બાદ તેને તરત જ હટાવી દેવામાં આવ્યું.
પોસ્ટર ફરી ન લગાવી શકાય તે માટે તેને ફાડી નાખવામાં આવ્યું હતું. આ પોસ્ટર ચૂંટણીમાં જીત બાદ લગાવવામાં આવ્યું હોવાની શક્યતા છે, પરંતુ ટેરિફ વોર બાદ આ પોસ્ટર વિવાદનો વિષય બની ગયું હતું. અમેરિકાએ ભારત પર ટેરિફ લાગુ કર્યો છે. તેના કારણે આ ઘટનાને ટ્રમ્પ પ્રત્યેની નારાજગી સાથે જોડવામાં આવી રહી છે.
સૂત્રોના કહેવા પ્રમાણે, પોસ્ટર સરદાર સોસાયટીમાં લાગેલું હતું. આ મકાનના માલિક વિદેશમાં રહે છે. તેમના ઘરની બહાર ડોનાલ્ડ ટ્રમ્પના વખાણમાં પોસ્ટર લાગેલું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ અવારનવાર ભારતને દબાવવાની વાત કરે છે. આવા સંજોગોમાં આ પોસ્ટરને કેવી રીતે સહન કરી શકાય? સૂત્રોએ કહ્યું કે, જ્યારે અમે ઘરે જઈને પૂછ્યું તો કેરટેકરે જણાવ્યું કે આ પોસ્ટર મકાન માલિકે લગાવ્યું છે.
અમારા વાંધા પછી કેરટેકરે પોસ્ટર હટાવી લીધું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ આપણા દેશ માટે નિવેદનો આપી રહ્યા છે તેથી આવા બેનરને બિલકુલ મંજૂરી ન આપવી જોઈએ. આ ઘટના બાદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
આપણ વાંચો: ભાવનગરના કાળાતળાવ ગામે ખેડૂત પર હુમલો: ન્યાય માટે પાટીદાર સમાજ મેદાનમાં, શું છે સમગ્ર મામલો?