પાણી માટે ભાજપના બે જૂથ આમને-સામને, વડોદરાના સાવલીમાં થઈ મારામારી

વડોદરાઃ ભાજપમાં વધુ એક વિખવાદ સામે આવ્યો હતો. સાવલી તાલુકાના ભાદરવા ગામમાં પાણીના મુદ્દે ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. એક તરફ ગામના મહિલા સરપંચનો પરિવાર હતો અને બીજી તરફ પંચાયતના સભ્ય અને ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના સભ્ય અશોક ગામેચીનો પરિવાર હતો.
શું છે મામલો?
છેલ્લા કેટલાક સમયથી ગામના કેટલાક વિસ્તારોમાં પાણી ઓછું આવતું હતું. આ બાબતે પંચાયત સભ્ય અશોક ગામેચીએ મહિલા સરપંચના પતિ મહિપતસિંહ રાણાને ફોન પર રજૂઆત કરી હતી. ફોન બાદ, સરપંચના પતિ મહિપતસિંહ રાણા પોતાના બે પુત્રો અને અન્ય સંબંધીઓ સાથે અશોક ગામેચીના ઘરે પહોંચ્યા. ત્યાં બન્ને જૂથ વચ્ચે મારામારી થઈ હતી. ઝઘડા દરમિયાન, સરપંચના પુત્ર બિટ્ટુસિંહે કાર લોકો પર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં બે મહિલાઓને ઈજા થઈ હતી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો.
સામ સામી નોંધાવી ફરિયાદ
આ ઘટના બાદ, બંને પક્ષે એકબીજા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો…બરોડા ડેરીની વાર્ષિક સાધારણ સભા પહેલા રાજકારણ ગરમાયું, દિનુ મામાએ કોને ફેંક્યો પડકાર?