વિશ્વામિત્રી રિજુવેનાઇઝેશનનો બીજો તબક્કો આગામી એક વર્ષમાં પૂર્ણ થશેઃ ભૂપેન્દ્ર પટેલ

વડોદરાઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંસ્કારી નગરી વડોદરાના નગરજનોને ધરપત આપતા જણાવ્યું કે, વિશ્વામિત્રી રિજુવેનાઇઝેશન પ્રોજેક્ટનો એક તબક્કો પૂર્ણ થયા બાદ હવે બાકીની કામગીરી પણ આગામી એક વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટના પરિણામે પ્રવર્તમાન ચોમાસામાં વડોદરાને કોઇ તકલીફ પડી નથી. રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણના જતન સાથે વિકાસના મંત્રને વરેલી છે.
મુખ્ય પ્રધાન પટેલે તેમના સેવાકાળના ચાર વર્ષ પૂર્ણ થવાના અવસરના સુયોગ સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત ઇલેટ્સ અર્બન ઇનોવેશન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટનો પ્રારંભ કરવાતા ઉક્ત વાત કરી હતી. તેમણે સમિટનો પ્રારંભ કરાવવાની સાથે વડોદરા મહાનગરપાલિકના અર્બન ડેવલપેમન્ટ ગોલનું લોન્ચિંગ ઉપરાંત શહેરી વિકાસ પુસ્તકનું વિમોચન પણ કહ્યું હતું.
તેમણે કહ્યું કે, કુદરતની સામે બાથ ભીડવાને બદલે પ્રકૃતિનું સંરક્ષણ કરવું જોઇએ. વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બેક ટુ બેઝિકનો કોલ આપી કુદરતી સંસધાનોનું રક્ષણ કરવાનું મહત્વ સૌને સમજાવ્યું છે. કુદરતનું મૂલ્ય આંકવું અઘરૂ છે. એટલે જ ગ્લોબલ વોર્મિંગની સમસ્યાના નિરાકરણ માટે પર્યાવરણના સંરક્ષણ સાથે સર્વગ્રાહી વિકાસ કરવાનો છે. વિકાસને પર્યાવરણ સાથે જોડીને જ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ શક્ય છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની વાત કરતા મુખ્ય પ્રધાને ઉમેર્યું કે, અગાઉ મહાનગરપાલિકાઓનું કાર્ય માત્ર ગટર, રસ્તા, પાણી અને વીજળી સુધી મર્યાદિત હતું, પરંતુ આજે તે હોસ્પિટલ, સ્વિમિંગ પૂલ, જીમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને બાગ-બગીચા વિકાસ સુધી પહોંચી ગયા છે. પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી) મોડલ દ્વારા જનસહભાગિતા વધારીને સ્વચ્છતા અને કાર્યક્ષમતા વધારવાની જરૂર છે. શહેરો આર્થિક પ્રવૃત્તિના ઉદ્દગમ સ્થાનો છે, તેમ કહેતા તેમણે જણાવ્યું કે, ૨૦૦૫માં વડા પ્રધાને શરૂ કરેલા શહેરી વિકાસ વર્ષના ૨૦ વર્ષ પછી ૨૦૨૫માં શહેરી વિકાસ વિભાગ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૩૦ હજાર કરોડનું માતબર બજેટ ફાળવ્યું છે, જેનાથી પાણી, ગટર, કચરા નિકાલ અને રિસાયક્લિંગ જેવી સુવિધાઓ મજબૂત થશે.
આ પણ વાંચો…મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળના ચાર વર્ષ: સેવા, સુશાસન અને વિકાસની ગાથા