વડોદરામાં ગટરના ખુલ્લા નાળામાં પડવાથી કિશોરનું મોત, જમવાની થાળી પણ અધૂરી રહી ગઈ…

વડોદરાઃ શહેરમાં એક કરૂણ ઘટના બની હતી. ગાજરાવાડી વિસ્તારમાં 16 વર્ષીય કિશોર પમ્પિંગ સ્ટેશન પાસેના ગટરના નાળામાં પડી ગયો હતો. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે સ્થાનિકો દ્વારા બચાવની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જોકે, પરિસ્થિતિ ગંભીર જણાતા તુરંત પોલીસને અને ફાયરની ટીમને ફોન કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ તેમજ એમ્બ્યુલન્સ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગની ભારે જહેમત બાદ કિશોરને નાળામાંથી બહાર કાઢ્યો હતો પરંતુ, ત્યાં સુધીમાં તેણે જીવ ગુમાવી દીધો હતો. કિશોરના મૃત્યુથી પરિવાર અને ગ્રામજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
માતાનું હૈયાફાટ રૂદન
મૃતક દીપક પ્રવીણભાઈ ગોદરિયા (ઉં.વ. 16) જૂનાં કપડાં વેચવાનો વ્યવસાય કરી ગુજરાન ચલાવતો હતો. કિશોર ઘરે આવ્યા બાદ જમવાનું જમતાં જમતાં શૌચક્રિયા કરવા ગયો હતો અને ગટરના નાળામાં ખાબક્યો હતો. જમવાની થાળી પણ અધૂરી રહી ગઈ હતી. દીકરાના મોતથી માતા તથા પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યું હતું.
પોલીસે શું કહ્યું
આ મામલે અકસ્માતે મોતની ફરિયાદ દાખલ કરીને કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવીશું અને મોતનું કારણ શું છે એ જાણવામાં આવશે. અંદર 4 ફૂટનો ખાડો છે અને જેમાં ગટર જેવું છે. એની અંદર પથ્થર સાથે અથડાવાથી કે ડૂબી જવાથી મોત થયું છે એ અંગે પીએમ રિપોર્ટ બાદ ખબર પડશે. કિશોર કયા કારણથી અહીં આવ્યો હતો એ અંગે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
આ દરમિયાને રેસ્ક્યુ માટે આવેલી ટીમની ગાડી પણ પલટી મારી ગઈ હતી. રેસ્ક્યુ ટીમ દ્વારા ગાડી રિવર્સ લેવામાં આવી રહી હતી, તે દરમિયાન ગાડીનું સંતુલન ગુમાવતા તે બાજુના ખાડામાં ખાબકી હતી અને પલટી મારી ગઈ હતી. જોકે, સદનસીબે ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો.
આ પણ વાંચો…વડોદરામાં બની કરૂણ ઘટના! લિફ્ટ અને એંગલ વચ્ચે માથું ફસાતા યુવકનું મોત