માત્ર શિક્ષકો જ નહિ પણ ગુજરાતની આ જેલના કેદીઓ પણ કરી રહ્યા છે ચૂંટણી પંચની SIRની કામગીરી! પણ કઇ રીતે?

વડોદરા: દેશમાં અનેક જેલ છે અને તેમાં ગુનેગાર સાબિત થયેલા અનેક કેદીઓ સજા ભોગવી રહ્યા છે. આ કેદીઓ પાસેથી તેની આવડત મુજબનું કામ લેવામાં આવે છે. ત્યારે વડોદરા સેન્ટ્રલ જેલના કેદીઓ પણ હવે એક અલગ પ્રકારની નાગરિક ભાગીદારીમાં જોતરાયા છે. ગંભીર ગુનાઓ માટે આજીવન કેદની સજા ભોગવી રહેલા આ કેદીઓ, ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા મતદાર યાદીઓને અપડેટ કરવા માટે ચલાવવામાં આવી રહેલા ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)’ અભિયાનમાં મદદ કરી રહ્યા છે.
મીડિયા અહેવાલો અનુસાર, વડોદરા જિલ્લા વહીવટીતંત્રને દૈનિક ધોરણે આવી રહેલા લાખો મતદાર ફોર્મ્સને સુરક્ષિત રાખવા માટે હજારો મજબૂત અને ઉચ્ચ-ગુણવત્તાવાળા ફોલ્ડર્સની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ હતી. ખાનગી એજન્સીઓ આ કામમાં રોકાયેલી હતી, પરંતુ સમયની તાકીદને કારણે વધારાના સહાયકોની જરૂર પડી, અને આ માટે જેલના પ્રિન્ટિંગ યુનિટનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વડોદરા સેન્ટ્રલ જેલના એસપી. ઉષાબેન રાડાએ જણાવ્યું હતું કે, “અમારી પાસે કેદીઓની એક ટીમ છે જે પ્રિન્ટિંગ કામમાં કુશળ છે અને ગુણવત્તાયુક્ત આઉટપુટ આપે છે. કલેક્ટર કચેરીએ SIR ડ્રાઇવમાં ઉપયોગમાં લેવાતા મોટા ફોલ્ડર્સ અને રજિસ્ટર બનાવવા માટે અમારો સંપર્ક કર્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું કે, કેદીઓની ટીમે ખૂબ જ ચોકસાઈથી કામ કર્યું અને SIR ડ્રાઇવમાં બૂથ લેવલ ઓફિસર્સ (BLO) દ્વારા ઉપયોગમાં લેવા માટે હજારો ફોલ્ડર્સ, રજિસ્ટર અને કેટલાક ફોર્મ્સ તૈયાર કર્યા છે. શરૂઆતમાં કેદીઓએ લાખો મતદારોના ચૂંટણી ડેટાને સંગ્રહિત કરવા અને રેકોર્ડ કરવા માટે ઉપયોગમાં લેવાતા લગભગ ૩,૦૦૦ ફોલ્ડર્સ અને રજિસ્ટર બનાવ્યા છે, અને જેલ સત્તાવાળાઓ ટૂંક સમયમાં વધુ ઓર્ડરની અપેક્ષા રાખી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે વડોદરા સેન્ટ્રલ જેલ રાજ્યની એકમાત્ર એવી જેલ છે જ્યાં સંપૂર્ણ સુવિધાઓ ધરાવતું પ્રિન્ટિંગ પ્રેસ યુનિટ કાર્યરત છે, જેને રાજકોટ અને મહેસાણા જેવી સરકારી કચેરીઓ તરફથી પણ ઓર્ડર મળે છે. કેદીઓ અહીં સ્પ્રિંગ ફાઇલો, ફોલ્ડર્સ, પોસ્ટલ કવર્સ, મેસેજ ફોર્મ્સ, લેમિનેશન કવર્સ, રજિસ્ટર, સરકારી ફોર્મ્સ અને સિંગલ-ગ્રેડ ફાઇલો સહિત વિવિધ પ્રકારની સ્ટેશનરી વસ્તુઓનું ઉત્પાદન કરે છે.
આપણ વાંચો: UK જવાની લાલચમાં ખોટું મેરેજ રજિસ્ટ્રેશન: સગાઈને લગ્ન ગણાવનારી વડોદરાની યુવતી પર કેસ!



