ગંભીરા બ્રિજ દુર્ઘટનાના 27 દિવસ બાદ લટકેલા ટેન્કરને ઉતારવાની કામગીરી શરૂ

વડોદરા: વડોદરાના પાદરામાં 9મી જુલાઈની સવારે ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હતો અને 20 નિર્દોષના જીવ ગયા હતા. આ ઘટના બાદ અહીં એક ટેન્કર લટકેલું પડ્યું હતું અને તેની તસવીરો ઘણીજ વાયરલ થઈ હતી. હવે આ ટેન્કરને હટાવવા માટે તંત્રએ કામગીરી હાથ ધરી છે. આ માટે બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
સિંગાપોરના ત્રણ એન્જિનિયર અને મરીન ઈમર્જન્સીએ કામગીરી શરૂ કર્યાના અહેવાલ છે. આ ટેકનોલોજી નવી હોવાથી સુરક્ષા માટે પણ તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. તૂટેલા બ્રિજ પાસે ઓપરેટ ટેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. ટ્રકની પાછળની બાજુ લાંબા દોરડા અને અને અન્ય હવા વિનાના બ્લુન પણ સુરક્ષાના ભાગરૂપે તૈયાર કરવામાં આવ્યા હોવાની માહિતી મળી છે.
આ પણ વાંચો: ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે હાઈ કોર્ટ લાલઘૂમઃ માર્ગ અને મકાન વિભાગની કામગીરી સામે આકરા પ્રહારો
આ નવીન ટેકનોલોજી અંગે મળતી માહિતી અનુસાર એકવાર બલૂન્સ યોગ્ય રીતે ગોઠવાઈ જાય, પછી તેમાં પદ્ધતિ અનુસાર હવા ભરવામાં આવે છે. આમ કરવાથી ટેન્કરનો લટકતો ભાગ ધીમે ધીમે ઊંચો થાય છે. આ કામગીરી માટે ખાસ પ્રકારની બલૂન ટ્રક અને અન્ય સાધનોનો ઉપયોગ થાય છે. ઊંચા થયેલા ટેન્કરને સ્થિર રાખવા માટે લાંબા દોરડા અને ગિયર્સનો ઉપયોગ કરાશે અને આ દોરડાઓ ટેન્કરને પાછળની તરફ ખેંચીને તેને સ્થિર રાખશે. ત્યારબાદ ટેન્કરને બ્રિજ પરથી ધીમે ધીમે બહાર કાઢવામાં આવે છે. આ માટે ખાસ કરીને રિકવરી વાહનનો ઉપયોગ થઈ શકે છે. આ પ્રક્રિયા ઘણી અઘરી હોવાનું માનવામાં આવે છે.
મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે અધિકારીઓને ઢીલી કામગિરી માટે ઝાટક્યા હતા. ત્યારબાદ 1લી ઑગસ્ટે નિષ્ણાંતોની ટીમ નિરિક્ષણ કરવા ગઈ હતી અને બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરી સાત દિવસમાં ટેન્કર હટાવાશે, તેમ જાણવા મળ્યું હતું.