વડોદરાની SSG હોસ્પિટલમાં રિપેરિંગ રૂટિન હતું, મંત્રીની મુલાકાત માટે નહીં

વડોદરા: જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ખાતે મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના સંદર્ભે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આજે સ્થળની મુલાકાત લીધી હતી. ઋષિકેશ પટેલની એસ. એસ. જી. હોસ્પિટલની આજની મુલાકાત સંદર્ભે કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને સમાચાર માધ્યમો દ્વારા હોસ્પિટલમાં ચાલી રહેલી મરમ્મત અને સફાઈ કામગીરી અંગે વિવિધ સમાચારો પ્રસિદ્ધ થઈ રહ્યા હતા.
આ મુદ્દે SSG હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટે આરોગ્ય પ્રધાનની મુલાકાત માટે રંગરોગાન અને સ્વચ્છતા કરવાના સમાચારોને સ્પષ્ટપણે રદિયો આપ્યો હતો.
ચાલી રહેલી કામગીરી રૂટિન જાળવણીનો ભાગ
તેમણે જણાવ્યું હતું કે ફોટોગ્રાફ્સમાં ટાઇલ્સ બદલવાની કામગીરી દેખાઈ રહી છે તે મુજબ, હોસ્પિટલના એક વોર્ડમાં કેટલીક ટાઇલ્સ તૂટેલી હાલતમાં હતી. આ બાબત ગઈકાલે તા.૧૦/૦૭/૨૦૨૫થી ધ્યાન પર આવી હતી. દર્દીઓ અને મુલાકાતીઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને આ તૂટેલી ટાઇલ્સને તાત્કાલિક બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરી હોસ્પિટલના રોજિંદી જાળવણી અને મરમ્મતના ભાગરૂપે જ કરવામાં આવી રહી છે, અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય હોસ્પિટલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુચારુ રાખવાનો છે.
આપણ વાંચો: ગંભીરા બ્રિજ દુર્ઘટનાઃ સમિતિએ શું આપ્યો પ્રાથમિક અહેવાલ? જાણો વિગત
નિયમિત સફાઈ અને રંગકામ
હોસ્પિટલ પરિસરમાં આવતા કેટલાક મુલાકાતીઓ દ્વારા ગુટકા જેવી વસ્તુઓનું સેવન કરીને ગમે ત્યાં થૂંકવામાં આવતું હોવાથી દીવાલો અને અન્ય સપાટીઓ ગંદી થતી હોય છે. હોસ્પિટલની સ્વચ્છતા અને આરોગ્યપ્રદ વાતાવરણ જાળવવા માટે નિયમિતપણે સફાઈ અભિયાન અને સમયાંતરે રંગકામની કામગીરી હાથ ધરવામાં આવે છે. ફોટોગ્રાફ્સમાં દર્શાવેલ સફાઈ અને રંગકામ કામગીરી પણ આ રૂટિન જાળવણીનો જ એક ભાગ છે.
મુલાકાત અંગે કચેરીને બપોરે કરાઈ જાણ
આરોગ્ય પ્રધાનની સયાજી હોસ્પિટલની મુલાકાત અંગે કચેરીને આજે બપોરના ૧૨:૦૦ કલાકે જાણ કરવામાં આવી હતી. ઉપરોક્ત ટાઇલ્સ રિપેરિંગ અને સફાઈ/રંગકામની કામગીરી તેમની મુલાકાત અંગેની જાણકારી મળ્યા પહેલાંથી જ હોસ્પિટલના રૂટિન મરમ્મત અને જાળવણીના ભાગરૂપે ચાલુ રાખવામાં આવ્યું હતું. આ કામગીરીનો મંત્રીની મુલાકાત સાથે કોઈ સીધો સંબંધ નથી કે તે ફક્ત તેમની મુલાકાતને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી નથી.