2000થી વધુ સાપને બચાવનાર યુવકનો કાળ સાપ જ બન્યો, સર્પદંશથી કરુણ મોત

વડોદરાઃ શિનોર તાલુકાના અવાખલ ગામે ઝેરી સાપ નીકળતા પ્રાણી ફાઉન્ડેશનના અશોક પટેલ સાપને રેસ્ક્યુ કરવા માટે પહોંચ્યા હતા. તેમણે સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લીધુ હતું, પરંતુ આ દરમિયાન ચૂક થતાં સાપે રેસ્ક્યુઅરના હાથ પર દંશ માર્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવીને તેમને સરકારી હોસ્પિટલ પહોંચાડ્યા હતા. ટૂંકી સારવારમાં તેમનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, વડોદરા જિલ્લામાં લગભગ 2000થી વધુ સાપ, મગર અને અન્ય ઝેરી જીવોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરનાર અશોક પટેલને સાપ દંશ મારતા મોત નીપજ્યું હતું. 4 ઓગસ્ટના રોજ સાધલી સ્કૂલમાં રેસ્ક્યુઅર અશોક પટેલે સાપનું રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ સાંજના પોતાના ગામ અવાખલમાં સાપનું રેસ્ક્યુ કરતી વખતે સાપે દંશ માર્યો હતો.
આ પણ વાંચો : પત્નીએ બિછાવી મોતનું જાળ: બિયર પીવડાવી સાંપથી ડંખ મરાવી પતિની હત્યાનો પ્રયત્ન
રેસ્ક્યુઅર અશોક પટેલે હોસ્પિટલ જતાં પહેલા એક વીડિયો બનાવીને સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી. જ્યારે રેસ્ક્યુઅરને હોસ્પિટલમાં સારવાર દરમિયાન સમયસર ઓક્સિજન અને પૂરતી તબીબી સેવા ન મળવાથી મૃત્યુ નીપજ્યું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો.
સર્પદંશ વખતે આ ભૂલો ન કરો
ઝેર ચૂસવાનો પ્રયાસ ન કરો: મોં દ્વારા કે કોઈ અન્ય સાધનથી ઝેર ચૂસવાનો પ્રયાસ ક્યારેય ન કરવો. આનાથી ચેપ લાગવાનું જોખમ રહે છે અને ઝેર પૂરેપૂરું બહાર પણ નીકળતું નથી.
કાપો કે ચીરો ન કરો: જ્યાં સાપ કરડ્યો હોય તે જગ્યાએ બ્લેડ કે છરીથી ચીરો કે કાપો ન મૂકશો. આનાથી નસને નુકસાન થઈ શકે છે, રક્તસ્ત્રાવ વધી શકે છે અને ચેપનું જોખમ વધી જાય છે.
કસીને પાટો ન બાંધો: કરડેલા અંગ પર ક્યારેય ખૂબ કડક પાટો (ટોર્નિકેટ) ન બાંધો. તેનાથી લોહીનું પરિભ્રમણ અટકી જાય છે, જેના કારણે અંગને નુકસાન થઈ શકે છે અને ક્યારેક અંગ કાપવું પણ પડી શકે છે.
ચાલવાનું કે દોડવાનું ટાળો: જે વ્યક્તિને સાપ કરડ્યો હોય તેને ચાલવા કે દોડવા ન દો. હલનચલન વધવાથી ઝેર શરીરમાં ઝડપથી ફેલાઈ શકે છે. શક્ય હોય તો વ્યક્તિને ઉપાડીને હોસ્પિટલ લઈ જાઓ.
લોહી કાઢવા માટે ગરમ કે ઠંડી વસ્તુ ન લગાવો: ડંખવાળી જગ્યા પર ગરમ કે ઠંડો શેક ન કરો. આનાથી ઝેરની અસર ઓછી થતી નથી અને તેનાથી ગંભીર નુકસાન થઈ શકે છે.
આયુર્વેદિક કે અંધશ્રદ્ધા પર આધાર ન રાખો: ભગત, ભૂવા કે તાંત્રિક પાસે જઈને સમય બગાડશો નહીં. સાપના ઝેરની અસર ઘટાડવા માટે કોઈ પણ ઘરેલું કે જડીબુટ્ટીઓનો પ્રયોગ ન કરશો. તાત્કાલિક સરકારી કે માન્યતા પ્રાપ્ત હોસ્પિટલમાં પહોંચો.
દારૂ, કેફી પદાર્થો કે દવાઓ ન આપો: દર્દીને દારૂ, કોફી કે અન્ય કોઈ કેફી પદાર્થો ન આપો. આનાથી લોહીનું પરિભ્રમણ વધી શકે છે અને ઝેરની અસર ઝડપી બની શકે છે.
દર્દીને સૂવા ન દો: દર્દીને જાગતો રાખો અને શાંતિથી બેસાડી રાખો. ગભરાટ ઓછી થાય તે માટે તેને હિંમત આપો. દર્દીને ઊંઘવા દેવાથી તેની સ્થિતિનું નિરીક્ષણ કરવું મુશ્કેલ બને છે.