વડોદરા

ડિજિટલ એરેસ્ટ બાદ રાજ્યમાં પહેલી આપઘાતની ઘટનાથી ચકચાર, જાણો વિગતવાર

વડોદરાઃ રાજ્યમાં ડિજિટલ એરેસ્ટની ઘટના સતત સામે આવી રહી છે. આ દરમિયાન વડોદરામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડિજિટલ એરેસ્ટ બાદ એક વ્યક્તિએ આપઘાત કર્યો હતો. રાજ્યમાં આ પ્રકારની પહેલી ઘટનાથી ચકચાર મચી ગઈ હતી.

શું છે મામલો

વડોદરા જિલ્લાના કાયાવરોહણમાં ડિજિટલ અરેસ્ટમાં ફસાઈ ખેડૂતે આપઘાત કર્યો હતો. કાકા રામના ફળિયામાં રહેતા અને ખેતીકામ કરતા 65 વર્ષીય અતુલભાઈ હિરાભાઈ પટેલને અજાણ્યા ભેજાબાજોએ દિલ્લી ATSના નામે ફોન કરી તેમની બેંક એકાઉન્ટમાં રૂ. 40 કરોડના ફ્રોડ અંગે તપાસ ચાલી રહી હોવાનું કહી ધમકાવ્યા હતા. ત્યારબાદ તેમને એક દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખવામાં આવ્યા હતા.

સતત દબાણ અને ભયના કારણે અતુલભાઈએ ઘરે જ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. પરિવારજનોને આ ઘટનાની પાછળ કોઈ મોટી છેતરપિંડી છુપાયેલી હોવાની શંકા થતાં તેમણે અતુલભાઈના ફોનમાં આવેલા નંબર પર સંપર્ક કર્યો હતો. ભેજાબાજે આઈકાર્ડ મોકલી પોતે એન્ટિ ટેરેરિસ્ટ સ્કવોડનો ઇન્સ્પેક્ટર ગૌરવ ગ્રોવર હોવાનું દાવો કર્યો હતો. ખેડૂતના મોત બાદ સમગ્ર કાયાવરોહણમાં શોકનો માહોલ છે. પરિવારજનોનું કહેવું છે કે ATS અને 40 કરોડના ફ્રોડની ધમકીએ અતુલભાઈને ભયભીત કરી દીધા હતા. ઘટનાની જાણ થતાં ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી હતી..

મૃતકના સંબંધીએ જણાવ્યું કે, તેમને દર 5 મિનિટે કોલ કરાતા અને ઘરની બહાર નીકળતા નહીં કહી ધમકાવતા હતા. તેમને એક આખો દિવસ ડિજિટલ એરેસ્ટ રખાયા હતા. જેના કારણે તેઓ ગભરાઈ ગયા હતા અને આ પગલું ભર્યું હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં વિવિધ પ્રકારના સાઇબર ફ્રોડમાં લોકોએ 2746 કરોડ રૂપિયા ગુમાવ્યા છે.

આ પણ વાંચો…વડોદરામાં બેંકના નિવૃત્ત અધિકારી બન્યા ડિજિટલ એરેસ્ટનો શિકાર, ઠગોએ રૂપિયા 64.41 લાખ પડાવ્યાં

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button