‘સંસ્કારી નગરી’માં શરમજનક ઘટના! પરીક્ષા ખંડમાંથી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીનો વાંધાજનક વીડિયો વાયરલ

વડોદરા: ગુજરાતની સંસ્કારી નગરી વડોદરાની મહારાજા સયાજીરાવ બરોડા યુનિવર્સિટી (MSU) માં એક શરમજનક અને ચૌંકાવનારી ઘટના સામે આવી છે. અહીં પરીક્ષા ચાલી રહી હતી તે દરમિયાન એક ક્લાસરૂમની અંદર વિદ્યાર્થી અને વિદ્યાર્થિની કથિત રીતે એકબીજાને ચુંબન કરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. આ વીડિયો વાયરલ થતાં યુનિવર્સિટી પ્રશાસને સોમવારે સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા છે. જો કે વાયરલ વીડિયોની સત્તાવાર પૃષ્ટી કરતાં નથી.
જાણ બહાર વીડિયો રેકોર્ડ થયો
આર્ટ્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર કલ્પના ગવલીએ જણાવ્યું કે, આ વીડિયો તાજેતરમાં લેવાયેલી ‘બેકલોગ’ પરીક્ષા દરમિયાન રેકોર્ડ કરવામાં આવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે કોઈ અજાણ્યા વ્યક્તિએ મોબાઈલથી આ ક્લિપ બનાવી છે અને વિદ્યાર્થી-વિદ્યાર્થિનીને તેની જાણ પણ નહોતી. વીડિયો વાયરલ થયા બાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકર્તાઓએ સોમવારે ડીન કલ્પના ગવલીની મુલાકાત લીધી હતી. ABVPએ પરીક્ષા દરમિયાન આવી ગતિવિધિઓ રોકવામાં નિષ્ફળ રહેવા બદલ પરીક્ષા નિરીક્ષક (Supervisior) ની સાથે-સાથે વીડિયોમાં દેખાતા બંને વિદ્યાર્થીઓ વિરુદ્ધ પણ સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે.
પ્રોફેસર ગવલીએ પત્રકારો સાથે વાત કરતા આ કથિત કૃત્યની નિંદા કરી હતી અને વીડિયોમાં દેખાતા વિદ્યાર્થીઓ તેમજ ક્લિપ બનાવનાર વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. યુનિવર્સિટીના નિયમો મુજબ, પરીક્ષા દરમિયાન ક્લાસરૂમમાં મોબાઈલ ફોન લઈ જવાની મંજૂરી હોતી નથી.
યુનિવર્સિટીની સુરક્ષા અને અનુશાસન પર સવાલ
આ ઘટનાએ યુનિવર્સિટી કેમ્પસમાં અનુશાસન અને સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ‘બેકલોગ’ પરીક્ષા એવા વિદ્યાર્થીઓ માટે હોય છે જે અગાઉની પરીક્ષાઓમાં નાપાસ થયા હોય. આવી મહત્ત્વપૂર્ણ પરીક્ષા દરમિયાન ક્લાસરૂમમાં આ પ્રકારની ગેરવર્તણૂક થવી ચિંતાનો વિષય છે. યુનિવર્સિટી પ્રશાસન હવે આ મામલાની તહ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકી શકાય.