ગુજરાતમાં કોંગ્રેસે શિક્ષણ બચાવો અભિયાન શરૂ કર્યુઃ ભાજપ પર આકરા પ્રહાર

વડોદરાઃ રાજ્યમાં કોંગ્રેસ દ્વારા શિક્ષણ બચાવો અભિયાનનો વડોદરાથી આરંભ કર્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રસના પ્રવક્તા મનિષ દોષીએ જણાવ્યું કે, રાજ્યનું શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ગયું છે. એના કારણે ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં 45 ટકાથી લઇ 65 ટકા જગ્યાઓ ખાલી છે.
કોંગ્રેસની સરકારે શિક્ષણનો અધિકાર આપ્યો અને ગુજરાતની ભાજપ સરકારે અધિકાર છીનવી લીધો છે. સરકારી સ્કૂલોમાં 42 હજારથી વધુ ઓરડાઓની ઘટ છે. 40 હજાર શિક્ષકોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે અને 15 વર્ષથી લાઇબ્રેરીયન અને પીટી શિક્ષકોની ભરતી કરી નથી અને સરકાર વાંચશે ગુજરાત, ભણશે ગુજરાત અને રમશે ગુજરાત ચલાવે છે.
આપણ વાંચો: ગુજરાત કોંગ્રેસે કહ્યું કેન્દ્રીય બજેટમાં રાજ્યની અવગણના નિરાશાજનક બજેટ…
ગુજરાતમાં 40 હજાર શિક્ષકોની ઘટ તથા 15 વર્ષથી લાઇબ્રેરીયન અને પીટી શિક્ષકોની ભરતી ન થઈ હોય એવા રાજ્યમાં કેવી રીતે વાંચશે ગુજરાત, ભણશે ગુજરાત અને રમશે ગુજરાત? એવો ધારદાર પ્રશ્ન કર્યો હતો. શિક્ષણ બચાવવા માટે લોકો વચ્ચે જઇને ધરણા-પ્રદર્શન અને સંવાદ કરવાની કરવાની પણ જાહેરાત કરી હતી.
મનિષ દોષીએ જણાવ્યું, આ અભિયાન રાજ્યના હિતમાં છે. ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણને બિનઉત્પાદકીય ખર્ચ ગણે છે. અમે ધરણા અને પ્રદર્શન કરીશું અને લોકો સુધી પહોંચીશું. ગુજરાતમાં ફિક્સ પે, આઉટ સોર્સિંગ, કોન્ટ્રાક્ટ આ બધી પ્રથા નાબૂદ કરીને સમાન કામ, સમાન વેતનની અમે માંગણી કરીએ છીએ.
આપણ વાંચો: ગુજરાતમાં પણ શરૂ થયું વોટ ચોરી રાજકારણ, કોંગ્રેસે આપ્યા પુરાવા
રાજ્યમાં ખાલી પડેલી શિક્ષકોની ભરતી કરવામાં આવે એવી માંગ કરીએ છીએ. ખાનગી યુનિવર્સિટીઓને લૂંટના લાયસન્સ આપનારી ભાજપ સરકાર સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોનું માળખુ તોડી રહી છે અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓ અને કોલેજોને બેફામ લૂંટના લાયસન્સ આપીને શિક્ષણના વ્યાપારીકરણને પ્રોસ્તાહન આપે છે.
આ ઉપરાંત તેમણે કહ્યું, જીકાસના નામે ધાંધિયા થઇ રહ્યા છે. ધો.12ના રિઝલ્ટ આવ્યાને ચાર મહિના થઈ ગયા છે તેમ છતાં વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે. વિદ્યાર્થીઓ પ્રવેશ વિના રઝળી રહ્યા છે અને લટકી રહ્યા છે.
જે એમ.એસ.યુનિવર્સિટી અવ્વલ નંબરે હતી. એ હવે 176માં નંબરે પહોંચી ગઈ છે. આ કેન્દ્ર સરકારના જ આંકડા છે. તદુપરાંત એમ.એસ. યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવની ખોટી લાયકાતની તપાસ થાય એવી માંગ કરી હતી.