ખેડૂતોના 30 કરોડના વળતર પેટે વડોદરા નર્મદા નિગમ કચેરીના કમ્પ્યુટરો કોર્ટે જપ્ત કર્યા…

અમદાવાદઃ ગુજરાતમાં નર્મદા ડેમના વિસ્થાપિતો માટે જમીન આપનાર ખેડૂતોને વળતર ન ચૂકવનાર સરદાર સરોવર નિગમની વડોદરા સ્થિત કચેરીના સીઈઓ અને કમિશનરની ખુરશી તેમજ તેમની કચેરીના કોમ્પ્યુટર સહિતનો સામાન કોર્ટના હુકમથી ગુરૂવારે જપ્ત કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો.
શું છે બનાવ?
પ્રાપ્ત વિગતો પ્રમાણે 1990માં સરદાર સરોવર યોજનામાં ડૂબમાં ગયેલા ગામોના લોકોને વિસ્થાપિત કરવા માટે નર્મદા નિગમ દ્વારા ડભોઇ તાલુકાના 541 જેટલા ખેડૂતોની જમીનો સંપાદન કરવામાં આવી હતી. જે તે સમયે રૂપિયા 55 હજાર વિઘા પ્રમાણે વળતર નક્કી થયું હતું અને તે સામે રૂપિયા 23 હજાર વળતર ચૂકવવામાં આવ્યું હતું. દરમિયાન ખેડૂતોએ વધુ વળતર માટે કોર્ટમાં દાવો કર્યો હતો. વધુ વળતર માટે દાવો કરનાર 541 ખેડૂતો પૈકી સીમડીયા ગામના એકજ કુટુંબના 9 ખેડૂતોએ અલગથી ડભોઇ કોર્ટમાં દાવો કર્યો હતો.
આ પણ વાંચો : વડોદરામાં ‘ભાજપ’ના પ્રયોગ: 44 નેતાની દાવેદારી વચ્ચે જયપ્રકાશ સોનીને પ્રમુખ બનાવ્યા, જાણો કોણ છે અને કારણ શું?
કોર્ટે વળતર ચૂકવવા હૂકમ કર્યો હોવા છતાં
35 વર્ષથી ચાલી રહેલા કેસમાં કોર્ટે વળતર ચૂકવવા હૂકમ કર્યો હોવા છતાં નર્મદા નિગમ દ્વારા વળતર નહોતુ ચૂકવાયું. કોર્ટે 9 ખેડૂતોને મળવાપાત્ર રૂપિયા 30 કરોડની વસુલાત પેટે વડોદરા ખાતેની સરદાર સરોવરની સીઈઓ અને કમિશનરની કચેરીનો સામાન જપ્ત કરવા વોરન્ટ જારી કર્યું હતું.ત્યારબાદ જપ્તીમાં સરદાર સરોવર નિગમના સીઈઓ અને કમિશનર અમીત અરોરાની ખૂરશી તેમજ તેમના તાબાની કચેરીના 5 કોમ્પ્યુટર, 10 ખુરશીઓ ટી.વી. સહિતનો સામાન જપ્ત કરાયો હતો.
સરદાર સરોવર નિગમની કચેરીનું સામાન જપ્તીનું વોરન્ટ
આ અંગે બેલિફ સંજયભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, ખેડૂતોના રૂપિયા 30 કરોડ ઉપરાંતના વળતરના કેસ બાબતે ડભોઇ સિવિલ કોર્ટે સરદાર સરોવર નિગમની કચેરીના સામાન જપ્તીના વોરન્ટના અમલ અંતર્ગત કમિશનર અમીત અરોરાની ખુરશી તેમજ અન્ય સામાન જપ્ત કરવામાં આવ્યો છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, 35 વર્ષથી લડત આપી રહ્યા છીએ. રૂપિયા 30 કરોડ ઉપરાંતના વળતરના કેસમાં નિગમ દ્વારા વળતર ચૂકવવામાં અખાડા કરતાં હોવાથી કોર્ટે જપ્તીની કડક કાર્યવાહી કરી છે. આશા રાખીએ અમોને વહેલીતકે વળતર મળે.