વડોદરામાં પાટીલના કાર્યક્રમ પહેલાં રાજપૂત મહિલા મોરચાના પ્રમુખ નજરકેદ કરાયા

વડોદરાઃ શહેરના સયાજીગંજ વિધાનસભા ક્ષેત્રમાં ૪.૮૦ કરોડના ખર્ચે નિર્મિત ૨૧૮ રિચાર્જ બોરવેલના ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ પહેલા પોલીસ તંત્ર દ્વારા સામાજિક કાર્યકરોને નજરકેદ કરી દેવામાં આવ્યા હતા. વડોદરા શહેર રાજપૂત સમાજના મહિલા અગ્રણી પાર્વતીબેન રાજપૂતને વહેલી સવારે 6 વાગ્યાથી તેમના ઘરમાં નજરકેદ કરી દેવામાં આવ્યા હતા. ગંભીરા બ્રિજ દુર્ઘટના સહિત અન્ય કોઈ મુદ્દે સંભવિત વિરોધને પગલે આ નિર્ણય લેવાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
વડોદરા શહેર રાજપૂત મહિલા મોરચાના પ્રમુખ પાર્વતીબેન રાજપૂતે જણાવ્યું હતું કે હું એક સામાજિક કાર્યકર છું , વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો અંગે અવારનવાર રજૂઆત કરતી આવી છું. લોકોની સુવિધાઓ માટે રજૂઆત કરવી ગુનો નથી. વહેલી સવારે મારા ઘરે મહિલા પોલીસ આવી ગઈ હતી અને મને નજરકેદ કરી દેવામાં આવી હતી. જેની સામે મારો વિરોધ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં ખુલ્લેઆમ દારૂ, ડ્રગ્સ વેચાય છે. પોલીસ તેની સામે કાર્યવાહી કરવાને બદલે. અમારા જેવા સામાજિક કાર્યકરોને પોલીસ નજરકેદ કરી રહી છે.
આ પણ વાંચો: મનભેદ; ક્ષત્રિય સમાજની બે મહિલાઓ આમને-સામને- પદ્મિની બા વિરુદ્ધ ગીતા બા
સી આર પાટીલે શું કરી પોસ્ટ
સી આર પાટીલે આ કાર્યક્રમને લઈ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું, સયાજીગંજ વિધાનસભા ક્ષેત્રમાં ૪.૮૦ કરોડના ખર્ચે નિર્મિત ૨૧૮ રિચાર્જ બોરવેલના ખાતમુહૂર્ત કરવાનો અવસર પ્રાપ્ત થયો. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ જનભાગીદારીથી ચાલી રહેલા જળ સંરક્ષણ અભિયાને દેશમાં એક નવી જળ ક્રાંતિને જન્મ આપ્યો છે. તે દિશામાં આ પહેલ એક સશક્ત અને પ્રેરણાદાયક કદમ છે, જે ફક્ત ભૂગર્ભ જળ સ્તરને સુધારવામાં મદદરૂપ થશે નહીં, પરંતુ ભાવી પેઢીઓ માટે જળ સુરક્ષા પણ સુનિશ્ચિત કરશે. આ કાર્ય સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને નાગરિકોને હાર્દિક અભિનંદન અને ધન્યવાદ.