વડોદરા

વડોદરા મનપા તંત્ર દ્વારા અકોટા વિસ્તારમાં લારી-ગલ્લા હટાવવા જતા વિરોધ કર્યો

વડોદરાઃ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ શહેરના માર્ગો પર દબાણ સર્જતા લારી-ગલ્લાવાળા સામે કાર્યવાહી શરૂ કરી છે, જો કે તેની સામે વિરોધ ઉઠ્યો છે. વડોદરા પાલિકા કચેરીમાં વહીવટી ચાર્જ ભરવા છતાં અકોટા બ્રિજથી તાજ હોટલ સુધીના રોડ રસ્તાની બંને બાજુના લારી ગલ્લા અને કેબીનોના દબાણો હટાવવા પાલિકા-દબાણ શાખાની ટીમ પહોંચતા જ સ્થાનિક બેરોજગાર લોકોએ પોતાનો માલ સામાન લારીઓ સહિત ઉપાડી લેતા ભારે હોબાળો મચાવ્યો હતો. જો કે દબાણ શાખાની ટીમ સાથે બંદોબસ્તમાં આવેલી એસઆરપી અને સ્થાનિક પોલીસે મામલો સંભાળીને હોબાળો મચાવનાર તમામને ખદેડી દેતા દબાણ શાખાએ આઠ જેટલી લારીઓ માલ સામાન સહિત કબજે લઈને બેઠક જેટલો સામાન કબજે લીધો હતો.

દર મહિને કેટલો ચૂકવે છે વહીવટી ચાર્જ?

અત્રે ઉલ્લેખનીય છે કે લારી ગલ્લા પથારા વાળા પોતાનો વેપાર ધંધો કરવા માટે પાલિકાને વહીવટી ચાર્જ પેટે રૂપિયા 700 પ્રતિ માસ ચૂકવે છે. એડવાન્સમાં ભરવામાં આવતા નાણા અંગે પાલિકા કર્મી આવી લારીઓ દબાણ શાખા દ્વારા નહીં ઉઠાવાય તેવી ખાતરી આપતા હોવાનું કહેવાય છે. ચાલુ મહિનામાં ગઈ 12 તારીખે પ્રત્યેક બેરોજગારોએ વહીવટી ચાર્જ ભરીને પાવતી પણ લીધી હોવા છતાં મંગળવારે એકાએક ધસી આવેલી પાલિકાની દબાણ શાખાએ અકોટા બ્રિજથી ગાર્ડન નજીક અને તાજ હોટલ સુધીના રસ્તાની બંને બાજુએ ખડકાયેલા લારીગલ્લા પથારાના લોખંડના ગલ્લા સહિત 8 થી 10 જેટલી લારીઓ માલ સામાન સહિત દબાણ શાખાએ જપ્ત કરીને ટ્રકમાં ચડાવી દીધી હતી. દરમિયાન લારી-ગલ્લા, પથારાવાળા સહિત અન્યના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.

જ્યારે બીજી બાજુ પાલિકા દ્વારા લેવાતા વહીવટી ચાર્જ બાબતે લારી-ગલ્લા, પથારા વાળા બેરોજગારોએ રજૂઆત કરીને પાવતીઓ પણ બતાવી હોવા છતાં પાલિકાની દબાણ શાખાએ કોઈની પણ દરમિયાનગીરી નહીં સાંભળતા કાયદો વ્યવસ્થા જાળવતી એસઆરપી અને સ્થાનિક પોલીસે એકત્ર થયેલા તમામ ટોળાને ખદેડી દીધા હતા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button