લિફ્ટ આપી, લૂંટ ખાઈ! વડોદરામાં MPથી આવતા પ્રોફેસરને નશીલો પદાર્થ સૂંઘાડી ₹4 લાખથી વધુની લૂંટ

વડોદરા: શહેરમાં લૂંટનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. પારૂલ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવત અને શહેરના વાઘોડિયા રોડ પર રહેતા કુશ ભૂષણવાર મધ્ય પ્રદેશથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન લિફ્ટ આપેલા પેસેન્જરે તેમને નશીલો પદાર્થ સૂંઘાડીને બેભાન કરી દીધા બાદ રૂ. 1.61 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી હતી. તે ઉપરાંત પ્રોફેસરના ક્રેડિટ કાર્ડના પાસવર્ડનો ઉપયોગ કરીને રૂ. 2.40 લાખની રકમ ઉપાડી લીધી હતી. આ અંગે હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ઘટનાની વિગતો અનુસાર, મૂળ મધ્યપ્રદેશના અને હાલ વડોદરાના વાઘોડિયા રોડ પર રહેતા કુશ, એક ખાનગી યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. હરણી પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, કુશે ઈન્દોરથી વડોદરા મુસાફરી કરવા માટે કારપૂલિંગ પ્લેટફોર્મ ‘Bla-Bla’ એપ પર પોતાનો પ્રવાસ પ્લાન પોસ્ટ કર્યો હતો.
સુખી નામના એક વ્યક્તિએ આમાં સીટ બુક કરાવી હતી. બંનેએ સાથે મુસાફરી શરૂ કરી અને જ્યારે કાર વહેલી સવારે લગભગ ૧:૩૦ વાગ્યે દાહોદ પહોંચી, ત્યારે સુખીએ કુશને કહ્યું, “તમે થાકી ગયા હશો, મને ડ્રાઇવિંગ કરવા દો.”
બેહોશ કરીને લાખોની ચોરી
કુશે વિશ્વાસ કરીને સુખીને વાહન ચલાવવા દીધું હતું. આ પછી તરત જ કુશ ઊંઘી ગયા હતા પણ તેઓ લગભગ ૧૬ કલાક બાદ બીજા દિવસે સાંજે ૫ વાગ્યે, વડોદરાના ગોલ્ડન ચોકડી નજીક જાગ્યા હતા. જાગતાની સાથે જ કુશે જોયું તો સુખી ગાયબ હતો અને તેમનો કીમતી સામાન જેમ કે ઘરેણાં, મોબાઇલ ફોન, પર્સ અને ક્રેડિટ કાર્ડ પણ ગાયબ હતા. તપાસમાં સામે આવ્યું કે આરોપીએ પ્રોફેસરનો સામાન ચોર્યા બાદ તેમના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને રૂ. ૨.૪૦ લાખ ટ્રાન્સફર કરી દીધા હતા.
સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ
આ ઘટના બાદ હરણી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. અંતે, વલસાડ સાયબર ક્રાઇમના અધિકારીઓને આ કેસમાં સફળતા મળી અને તેમણે આરોપીની ધરપકડ કરી. આ ઘટનાએ કારપૂલિંગ એપ્સનો ઉપયોગ કરતી વખતે અજાણ્યા સહ-પ્રવાસીઓ પર વિશ્વાસ મૂકતા પહેલા સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
આ પણ વાંચો…વડોદરામાં ભાજપને ફટકોઃ પૂર્વ કરજણ શહેર ઉપપ્રમુખ AAPમાં જોડાયા



