વડોદરાના આજવા રોડ પર ઘર્ષણ: અતિક્રમણ હટાવવા ગયેલી ટીમ પર હુમલો, મામલો શાંત પાડવા પોલીસે કર્યો લાઠીચાર્જ | મુંબઈ સમાચાર
વડોદરા

વડોદરાના આજવા રોડ પર ઘર્ષણ: અતિક્રમણ હટાવવા ગયેલી ટીમ પર હુમલો, મામલો શાંત પાડવા પોલીસે કર્યો લાઠીચાર્જ

વડોદરા: આજવા રોડ પર ગેરકાયદે બાંધકામો હટાવવા ગયેલી ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. મામલો શાંત પાડવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

મળતી વિગત પ્રમાણે, શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેશન દ્વારા ગેરકાયદે બાંધકામો અને દબાણો તોડવાની કામગીરી ચાલી રહી છે, જે અંતર્ગત ટાઉન પ્લાનિંગ અને દબાણ શાખાની ટીમ આજવા રોડ પર પહોંચી હતી.

મુખ્ય ટીપી રસ્તા પરના દબાણો હટાવવાની કામગીરી શરૂ થાય તે પહેલા જ સ્થાનિકોએ ઉગ્ર વિરોધ શરૂ કર્યો હતો. તેમજ દબાણની કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.

આપણ વાંચો: બિહારમાં હવે આ મુદ્દે ધમાલઃ પોલીસને લાઠીચાર્જ કરવાની પડી ફરજ

સ્થાનિક રહેવાસીઓનો વિરોધ આક્રમક બનતા કોર્પોરેશનની ટીમ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. પરિસ્થિતિ વણસતા ત્યાં હાજર પોલીસ કાફલાએ સૌપ્રથમ રહીશોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિરોધીઓ ન માનતા આખરે પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. પોલીસના લાઠીચાર્જ અને ભાગદોડને કારણે વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી.

આ ઘટનામાં બેથી ત્રણ જેટલા વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. પોલીસે કડક વલણ અપનાવતા મામલો થાળે પડ્યો હતો. પોલીસની કાર્યવાહી બાદ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શહેરના વિકાસ માટે નડતરરૂપ એવા દબાણો સામે કોર્પોરેશનની ઝુંબેશ સતત ચાલુ રહેશે તેવું તંત્ર દ્વારા જણાવાયું હતું

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button